વડોદરા: દિવાળી પૂર્વે આરોગ્ય વિભાગનું મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ
વડોદરા,તા. 29 ઓક્ટોબર 2021,શુક્રવાર
દિવાળી પર્વ નિમિત્તે મીઠાઈ અને ફરસાણનું વેચાણ વધુ થતું હોય નગરજનોના સ્વાસ્થ્યની કાળજી હેતુ વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે ઠેરઠેર દરોડા પાડી મીઠાઈ અને ફરસાણના સેમ્પલ કબજે કર્યા છે.
વડોદરા મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા છેલ્લા દસ દિવસમાં શહેરના ચારેય ઝોનમાં મીઠાઈ ફરસાણનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડી 45 સેમ્પલો કબજે કરી પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જ્યારે આગામી ત્રણ દિવસમાં 100 જેટલા સેમ્પલ મેળવવાનો ટાર્ગેટ છે. આજે પણ વડોદરા શહેરના ફતેગંજ, સયાજીગંજ, ઓપી રોડ, અલકાપુરી, માંજલપુર ચોખંડી સહિતના વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમે સપાટો બોલાવી ચેકિંગ હાથ ધર્યું હતું. આરોગ્ય વિભાગની ટીમોએ ખાદ્ય પદાર્થોના સેમ્પલ મેળવી લેબોરેટરીમાં મોકલી આપ્યા છે હવે 14 દિવસ બાદ તેનો રિપોર્ટ આવશે. અત્રે નોંધનીય છે કે રિપોર્ટની આવતા દિવાળી પર્વ પણ વીતી જશે અને નગરજનો લાખો રૂપિયાની મીઠાઈ ફરસાણ આરોગી જશે તે પણ એક હકીકત છે.