આર્ટસના ડીન સાથેની બેઠકમાં કેટલાક હેડે રાજીનામું ધરી દેવાની ચીમકી આપી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સંખ્યાબંધ ફેકલ્ટીઓમાં હજી પણ હંગામી અધ્યાપકોની નિમણૂકોના ઓર્ડરમાં વિલંબ થઈ રહ્યો છે.આ મુદ્દે આજે આર્ટસ ફેકલ્ટીમાં ભડકો થયો હતો.
મળતી વિગતો પ્રમાણે ઓર્ડરના અભાવે શિક્ષણ કાર્ય ચાલુ રાખવામાં સંઘર્ષ કરી રહેલા તમામ વિભાગના હેડ અને ડીન વચ્ચે આજે એક બેઠક યોજાઈ હતી.જેમાં મોટાભાગના હેડે સ્પષ્ટપણે કહ્યું હતું કે, હંગામી અધ્યાપકો અમારા કહેવા પર ઓર્ડર વગર ભણાવી રહ્યા છે અને બીજી કામગીરી પણ કરી રહ્યા છે.છેલ્લા દોઢ મહિનાથી તેઓ ઓર્ડરની રાહ જોઈ રહ્યા છે.તેમને પગાર પણ મળ્યો નથી.જો તેમને ૨૪ કલાકમાં ઓર્ડર નહીં મળે તો અમે તેમને લેકચર લેવા માટે ના પાડી દઈશું.સાથે સાથે કેટલાક હેડે તો રાજીનામુ આપી દેવાની પણ ચીમકી આપી હતી.
એક વિભાગના હેડે કહ્યું હતું કે, ફેકલ્ટીમાં તમામ વિભાગોમાં હંગામી અધ્યાપકો ઓર્ડરની રાહ જોઈ રહ્યા છે.વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવ પાસે નિમણૂકોને મંજૂરી આપવાનો સમય નથી. અમે ઓર્ડર વગર અધ્યાપકોને કયા મોઢે કહીએ કે ભણાવવાનું ચાલુ રાખો?વાઈસ ચાન્સેલરે વિદ્યાર્થીઓના શિક્ષણનો પણ વિચાર કરવો જોઈએ.દરમિયાન ફેકલ્ટી ડીને કહ્યું હતુ કે, તમામ નિમણૂકોના ઓર્ડર બાકી છે.વાઈસ ચાન્સેલર આજે મળ્યાં નહોતા.હું આવતીકાલે, બુધવારે ફરી તેમને મળવાનો પ્રયત્ન કરીશ.