મૃતદેહ બદલાઇ ગયા બાદ બીજાે વિવાદઃ સયાજી હોસ્પિટલમાં કોલ્ડરૃમ નો પ્લાન્ટ બંધ હોઇ મૃતદેહ ડીકંપોઝ થયો

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
મૃતદેહ બદલાઇ ગયા બાદ બીજાે વિવાદઃ સયાજી હોસ્પિટલમાં કોલ્ડરૃમ નો પ્લાન્ટ બંધ  હોઇ મૃતદેહ ડીકંપોઝ થયો 1 - image

વડોદરાઃ સયાજી હોસ્પિટલમાં મૃતદેહ બદલાઇ જવાના બનેલા ચકચારી બનાવ બાદ મૃતદેહો સાચવતા કોલ્ડરૃમમાં ગઇરાતે પ્લાન્ટ બંધ રહેતાં અંદર મૂકેલો મૃતદેહ ડીકંપોઝ થવાથી મૃતકોના પરિવારજનોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી.

સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ મોત, અકસ્માત,હત્યા,આત્મહત્યા જેવા કિસ્સા ઓમાં આવતા મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે કોલ્ડરૃમમાં મુકવામાં આવતા હોય છે. આ મૃતદેહોનું પહેલાં પોલીસ દ્વારા પંચનામા જેવી વિધિ કરવામાં આવે છે અને ત્યારબાદ ફોરેન્સિક વિભાગના ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવતું હોય છે.જો મૃતદેહ ડીકંપોઝ થઇ જાય તો પોસ્ટમોર્ટમ કરવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે.

સયાજી હોસ્પિટલમાં ગઇકાલે કોયલી વિસ્તારમાં ચેકપોસ્ટ પાસે ત્રણ રસ્તા પર સિગ્નલ આપ્યા વગર ટર્ન લેનાર એક ટ્રકે બાઇક સવાર બળદેવભાઇ ભટ્ટ(૫૮) (રહે.બ્રાહ્મણવશી ગામ,પાદરા) અને તેમના પત્ની ચેતનાબેનને અડફેટમાં લેતાં બળદેવ ભાઇનું સ્થળ પર જ મોત થયું હતું.જ્યારે પત્નીને ઇજાઓ થઇ હતી.

ગઇકાલે બપોરે કોલ્ડરૃમમાં મુકવામાં આવેલા મૃતદેહનું પોસ્ટમોર્ટમ આજે સવારે કરવામાં આવ્યું હતું.સામાન્ય રીતે કોલ્ડરૃમમાં મુકેલો મૃતદેહ તાજો જ રહેતો હોય છે.પરંતુ આજે સવારે પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ બહાર લવાયો ત્યારે કાળો પડી ગયો હતો અને ડીકંપોઝ થવાની શરૃઆત થતાં સબંધીઓએ આઘાત અનુભવ્યો હતો.તપાસ કરતાં કોલ્ડરૃમનો પ્લાન્ટ જ રાતે શરૃ કરવામાં નહિં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.જેને કારણે બીજા મૃતદેહોની પણ આવી જ હાલત થઇ હોવાનું મનાય છે.આ અંગે સબંધિત અધિકારીએ તપાસ કરીશું,કોઇ ફરિયાદ મળી નથી..તેમ કહ્યું હતું.

કોલ્ડરૃમ ઓપરેટ કરનારા કાયમી ટેકનિશિયન જ નથી

કોલ્ડરૃમ ઓપરેટ કરતા ઓપરેટર નિવૃત્ત થઇ ગયા બાદ નવા કાયમી ટેકનિશિયન મુકાયા નહિં હોવાની માહિતી મળી છે.

પ્રાપ્ત વિગતો મુજબ,કોલ્ડરૃમ ઓપરેટ કરવા માટે અગાઉના ટેકનિશિયન નિવૃત થયા બાદ કોન્ટ્રાક્ટ પર કામ ચલાવવામાં આવે છે.જેને કારણે પ્લાન્ટના મેન્ટેનન્સમાં મુશ્કેલી સર્જાતી હોય છે.

તો બીજીતરફ કોલ્ડરૃમના મુદ્દે જવાબદારી માટે સરકારી ડોક્ટરો અને ફોરેન્સિક વિભાગ એક બીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે.આરએમઓ ડો.હેલૈયાએ કહ્યું હતું કે,ટેકનિશિયનની પોસ્ટ ભરવા માટે સબંધિત ઉપરી અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.


Google NewsGoogle News