Get The App

માર્ગની વચ્ચે પડેલી કાર હટાવવાનું કહેતા રિક્ષા ચાલકને મારમાર્યો

Updated: Apr 19th, 2024


Google NewsGoogle News
માર્ગની વચ્ચે પડેલી કાર હટાવવાનું કહેતા રિક્ષા ચાલકને મારમાર્યો 1 - image


ગાંધીનગર શહેરના સેક્ટર-૨માં

પિતા પુત્રએ જાતિ વિષયક અપશબ્દ બોલીને બેઝબોલના ધોકાથી હુમલો કરાયો

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર ૨બીમાં મામાના ઘરે રીક્ષા લઈને ટિફિન લેવા માટે જઈ રહેલા યુવાને રસ્તામાં પડેલી કાર હટાવવાનું કહેતા પિતા પુત્ર દ્વારા માર મારી હુમલો કરીને જાતિ વિષયક અપશબ્દ બોલવામાં આવ્યા હતા. જેના પગલે ઘાયલ યુવાનને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. હાલ આ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના કુબેર નગર ખાતે રહેતા અને રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા યુવાન સંજય રતિલાલ મકવાણાનું મોસાળ સેક્ટર ૨બીમાં પ્રકાશભાઈ મણીલાલ પરમારના ઘરે થાય છે. ગત ૧૬ એપ્રિલના રોજ સંજય ભાઈના પુત્રને પેટમાં દુખાવો થતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેઓ મામાના ઘરે ટિફિન લેવા માટે તેમની રિક્ષા લઈને નીકળ્યા હતા. તે સમયે સેક્ટર ૨બીમાં માર્ગ ઉપર એક કાર પડી હતી. જેના પગલે તેમણે કાર હટાવવાનું કહેતા કારના ચાલક દ્વારા મકાન માલિક જશુભાઈ પટેલને બોલાવી લાવવામાં આવ્યા હતા અને તેમના દ્વારા ગાડી અહીંથી અટશે નહીં તેમ કહી ઉગ્ર બોલાચાલી કરવામાં આવી હતી. જોકે યુવાન રીક્ષા સાઈડમાં મુકીને ચાલતો ટિફિન લેવા માટે ગયો હતો અને આ દરમિયાન મામાને જાણ કરતા તેઓ જશુભાઈને સમજાવવા માટે આવ્યા હતા. આ દરમિયાન તેઓ બિભત્સ ગાળો બોલીને જાતિ વિષયક અપશબ્દ કહી મારા મારી કરવા લાગ્યા હતા. આ દરમિયાન તેમનો પુત્ર જૈમીન પણ ત્યાં આવી ગયો હતો અને તેણે ઘરમાંથી બેઝબોલનો ધોકો લાવીને સંજયભાઈ ઉપર હુમલો કરી દીધો હતો. જેના પગલે તેમના હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. જેથી તાત્કાલિક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની ફરિયાદના આધારે સેક્ટર ૭ પોલીસ દ્વારા પિતા પુત્ર સામે મારામારી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.


Google NewsGoogle News