દિવ્યાંગ યુવતી અને તેની બહેનને આજે બપોરે 12 પહેલા જેલમાંથી મુક્ત કરવા હાઇકોર્ટનો આદેશ
લઘુમતી કોમના રીક્ષા ચાલકે ફરિયાદ આપી કે મને ગુંડો કહ્યો છે, આટલી વાતમાં બે બહેનોએે 14 દિવસની કસ્ટડીમાં રહેવુ પડયું
વડોદરા : પાદરાના લઘુમતી વિસ્તારમાં રહેતા એકમાત્ર હિન્દુ વૈષ્ણવ પરિવારની બે યુવાન દીકરીઓ સામે લઘુમતી કોમના રીક્ષા ડ્રાઇવરે કરેલા આક્ષેપને તપાસ વગર જ સાચો માનીને વિવાદાસ્પદ પાદરા પોલીસે ચેપ્ટર કેસ કરી નાખ્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે આ કેસમાં એક્ઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટે બન્ને બહેનોને જેલમાં ધકેલી દેવા આદેશ કર્યો હતો. આ કેસ આખરે હાઇકોર્ટમાં પહોંચ્યો અને હાઇકોર્ટે મંગળવારે બપોરે ૧૨ પહેલા બન્ને બહેનોને જેલમાંથી મુક્ત કરવા આદેશ કર્યો છે.
બન્ને બહેનોના વકીલ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે પાદરાના લઘુમતી વિસ્તાર ચકલામાં ૫૦૦ ઘરોની વચ્ચે એકમાત્ર વૈષ્ણવ પરિવારનું ઘર આવેલુ છે. આ ઘરમાં માતા-પિતાના મૃત્યુ બાદ બે અનાથ યુવાન દીકરીઓ હર્ષાબેન એમ.શાહ (ઉ.૩૫) અને ગીતાબેન એમ. શાહ (ઉ.૩૦) રહે છે. તેમાથી એક દીકરી તો અપંગ છે. લઘુમતી કોમના એક રીક્ષા ડ્રાઇવરે બન્ને બહેનો સામે ફરિયાદ આપી કે બન્ને બહેનોએ મારી સાથે ઝઘડો કરીને મને ગુંડો કહ્યો છે. આ કેસમાં પોલીસે તપાસ કર્યા વગર જ ચેપ્ટર કેસ કર્યો. વિલંબ કર્યા વગર એક્ઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટ (મામલતદાર) સમક્ષ બન્ને બહેનોને રજૂ કરી દીધી. મેજિસ્ટ્રેટે બન્ને બહેનોને જેલમાં ધકેલી દેવા આદેશ કરી દીધો. બીજી તારીખ ૮ ઓક્ટોબર આપી એટલે એવી સ્થિતિ ઉભી થઇ ગઇ કે ૧૪ દિવસ જેલમાં રહેવું પડે.અમારા ધ્યાનમાં આ કેસ આવતા અમે હાઇકોર્ટમાં ગયા હતા જ્યાં આજે હાઇકોર્ટે બન્ને બહેનોને મંગળવારે બપોરે ૧૨ પહેલા જેલમુકત કરવા આદેશ આપ્યો છે.
વકીલનું કહેવું છે કે હત્યા, ખંડણી, હત્યાનો પ્રયાસ, જાનથી મારી નાખવાની ધમકી જેવા અત્યંત ગંભીર ગુનામાં નિષ્ક્રિય રહેતી પોલીસને આ કેસમાં કેમ રસ પડયો તે મહત્વની વાત છે. શું એક હિન્દુ પરિવારે લઘુમતી વિસ્તારમાં રેહવુ ગુનો છે. સાવ સામાન્ય બાબતમાં બે દીકરીઓને ૧૪ દિવસ જેલમાં રહેવુ પડે તે ક્યા પ્રકારનો ન્યાય છે ?