નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ફાઇનલમાં હરમિત દેસાઈ અને જીત ચંદ્રા ટકરાશે
જ્યારે વુમન્સમાં બીજા ક્રમની આયિકા મુખરજી અને આઠમા ક્રમની અર્ચના કામથે ફાઇનલમાં પ્રવેશ કર્યો
વડોદરા : અહીંના સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં શુક્રવારે બીજા ક્રમનો જી. સાથિયાન સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં નવમા ક્રમના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ખેલાડી જીત ચંદ્રા સામે હારી જતાં તે મેડલની રેસમાંથી બહાર થઈ ગયો છે.સેમિફાઇનલને અંતે માત્ર બે ક્રમાંકિતો બચી ગયા છે જેમાં મોખરાના ક્રમના હરમિત દેસાઈ અને જીત ચંદ્રાનો સમાવેશ થાય છે. બંને ખેલાડી ફાઇનલમાં ટકરાશે.
જી. સાથિયાન આ સિઝનમાં તેની પહેલી ડોમેસ્ટિક ટુર્નામેન્ટ રમી રહ્યો હતો અને નેશનલ ચેમ્પિયન તરીકે તે આ વખતે સારો દેખાવ કરશે તેવી અપેક્ષા રખાતી હતી પરંતુ તેમ બન્યું ન હતું. પેટ્રોલિયમ સ્પોર્ટસ પ્રમોશન બોર્ડ (પીએસપીબી) તરફથી રમતા ગુજરાતના મોખરાના ક્રમના હરમિત દેસાઈએ રિઝર્વ બેંકના રાજ મોંડલને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અગાઉ રાજે પાયસ જૈનને હરાવ્યો હતો. વિમેન્સ સિંગલ્સમા ખાસ ફરક ન હતો. બીજા ક્રમની આયિકા મુખરજી અને આઠમા ક્રમની અર્ચના કામથે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જ્યારે પાંચમા ક્રમની દિયા ચિતાલે અને ત્રીજા ક્રમની સુતિર્થા મુખરજી ક્વાર્ટર ફાઇનલમાંથી બહાર થઈ ગયા છે.