Get The App

પૂ.હરિપ્રસાદ સ્વામીજી બ્રહ્મલીન થતાં હજારો ભક્તો શોકમાંઃ તા.૧ ઓગસ્ટે અંતિમ ક્રિયા

Updated: Jul 27th, 2021


Google NewsGoogle News
પૂ.હરિપ્રસાદ સ્વામીજી બ્રહ્મલીન થતાં હજારો ભક્તો શોકમાંઃ તા.૧ ઓગસ્ટે અંતિમ ક્રિયા 1 - image

વડોદરાઃ વડોદરા નજીક સોખડા ખાતે સ્વામિનારાયણ મંદિર હરિધામ અને યોગી ડિવાઈન સોસાયટીના સ્થાપક પૂ.હરિપ્રસાદ સ્વામીજી સોમવારે રાત્રે ૧૧ વાગ્યે ૮૭ વર્ષની વયે બ્રહ્મલીન થયા બાદ હજારો ભાવિકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ  છે.

હરિપ્રસાદ સ્વામીને ફેબુ્રઆરી માસથી કિડનીની બીમારી હતી અને આ જ બીમારી તેમની વિદાયનુ કારાણ બની હતી.૨૫ જુલાઈએ ડાયાલિસિસ બાદ તેમની તબિયત વધારે ખરાબ થઈ હતી.તેમને ૨૬ જુલાઈએ સાંજે સોખડા હરિધામથી ગોરવા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેઓ રાત્રે ૧૧ વાગ્યે બ્રહ્મલીન થયા હતા.

આ ખબર વાયુવેગે હરિભક્તોમાં પ્રસરી ગઈ હતી અને સવાર સુધીમાં તો હોસ્પિટલની બહાર હજારો ભાવિકો ઉમટી પડયા હતા.ઘણા ભાવિકો ચોધાર આંસુએ રડતા જોવા મળ્યા હતા.બપોરે તેમના પાર્થિવ દેહને સોખડા હરિધામ મંદિર ખાતે લઈ જવાયો હતો.હરિધામ ખાતે ફૂલોની ચાદર બિછાવવામાં આવી હતી.ગોરવાથી હરિધામ સુધીના રસ્તા પર હજારો ભાવિકો પણ દર્શન માટે ઉભેલા જોવા મળ્યા હતા.

હરિધામના કોઠારી સ્વામી પ્રેમસ્વરુપદાસજીના કહેવા પ્રમાણે હરિપ્રસાદ સ્વામીજીની અંતિમ ક્રિયા ૧ ઓગસ્ટે બપોરે ૨-૩૦ વાગ્યે કરવામાં આવશે.તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન ભક્તો કરી શકે તે માટે આગામી ચાર દિવસ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.અલગ-અલગ પ્રદેશના ભાવિકો ૨૮ થી ૩૦ જુલાઈ સુધી સવારે ૮ થી રાત્રીના આઠ વાગ્યા સુધી દર્શન કરી શકશે અને આ માટેનુ શિડયુલ પણ બહાર પાડવામાં આવ્યુ છે.જેમાં કયા વિસ્તારના ભાવિકોએ ક્યારે આવવુ તેનુ ટાઈમ ટેબલ બનાવાયુ છે.૩૧ જુલાઈના રોજ સંત સમાજ તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અંતિમ દર્શન માટે આવશે.

દરમિયાન આજે હરિપ્રસાદ સ્વામીજીનો પાર્થિવ દેહ હરિધામ ખાતે લાવવામાં આવ્યા બાદ માત્ર હરિધામ પરિવાર સાથે સંકળાયેલા સંતોને જ દર્શન કરવાની અને તેમના પાર્થિવ દેહ સાથે રહેવાની અનુમતિ આપવામાં આવી હતી.

પૂર્વાશ્રમમાં પ્રભુદાસભાઈ તરીકે ઓળખાતા હતા

દીક્ષા લેતા પહેલા ૧૦ વર્ષ યોગીજી મહારાજના સેક્રેટરી રહ્યા હતા 

સોખડામાં ભવ્ય મંદિર બનાવવાના આશીર્વાદ યોગીજી મહારાજ તરફથી મળ્યા હતા 

પૂ.હરિપ્રસાદ સ્વામીજીનો જન્મ ૨૩ મે, ૧૯૩૪ના રોજ વડોદરા જિલ્લાના આસોજ ખાતે થયો હતો.તેમનુ પૂર્વાશ્રમનુ નામ પ્રભુદાસભાઈ હતુ.૧૯૫૫ થી ૧૯૬૫ સુધી તેમણે બ્રહ્મસ્વરુપ યોગીજી મહારાજના સેક્રેટરી તરીકે સેવા આપી હતી.પાંચ બહેનો વચ્ચે એક જ ભાઈ એવા પ્રભુદાસ ભાઈને ગુરુહરિ યોગીજી મહારાજે ૧૯૬૫માં દશેરાના દિવસે પાર્ષદી અને શરદપૂનમના દિવસે ભાગવતી દીક્ષા આપીને હરિપ્રસાદ સ્વામી નામ આપ્યુ હતુ.દીક્ષા આપવા માટે યોગીજી મહારાજે ખાસ યજ્ઞા પણ કર્યો હતો.

હરિધામ સોખડાના સંતોના કહેવા પ્રમાણે સોખડામાં ત્રણ શિખરનુ ભવ્ય મંદિર બનશે તેવા આશીર્વાદ પણ તેમને યોગીજી મહારાજે જ આપ્યા હતા.યોગીજી મહારાજના આશીર્વાદ સાથે તેઓ ૧૯૬૬માં અક્ષર પુરષોત્તમ સંસ્થાથી અલગ પડયા હતા અને ૧૯૭૧થી હરિપ્રસાદ સ્વામીજીએ પોતાના કાર્યનો પ્રારંભ કર્યો હતો.આ વર્ષે તેની સુવર્ણ જયંતિની ઉજવણી થઈ રહી છે.સંપ્રદાયની પારંપરિક મર્યાદાઓને યથાવત રાખીને બહેનોના દર્શન સ્પર્શ કર્યા વગર બહેનોને બહેનો જ દીક્ષા આપે તે પરંપરા  હરિપ્રસાદ સ્વામીજીએ જ શરુ કરી હતી.ઉપરાંત ગૃહસ્થ જીવન વીતાવતા ભાવિકો પણ ભક્તિ કરી શકે તે માટે અંબરિષ દિક્ષા આપવાનો ચીલો પણ તેમણે જ ચાતર્યો હતો.

તેમણે ભાવિકોને આપેલા બે મંત્ર ...કોઈ આત્મીય બને કે ના બને હે પ્રભુ,  મારે આત્મિય બનવુ છે ...અને ...દાસના દાસ બનાવશોજી.... હરિભક્તો સિવાય અન્ય લોકોમાં પણ પ્રચલિત બન્યા હતા.



Google NewsGoogle News