પિયરમાંથી ૨૦ લાખ લઇ આવવાનું કહી પરિણીતા પર ત્રાસ
સાસરિયાઓના ત્રાસથી ગયા વર્ષે પરિણીતાએ ફિનાઇલ પી લીધું હતું
વડોદરા,પરિણીતાને પિયરમાંથી દહેજમાં ૨૦ લાખ લઇ આવવા માટે ત્રાસ આપતા સાસરિયા સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તરસાલી દેસાઇ કોલોનીમાં રહેતી મોનિકાના લગ્ન એપ્રિલ - ૨૦૨૨ માં જયદિપ પ્રેમજીભાઇ રોહિત સાથે થયા હતા. લગ્નના એક મહિના પછી બે જેઠાણીઓએ ઘરકામ બાબતે તકરાર શરૃ કરી હતી.હું મારા પતિને જાણ કરૃં તો તેઓ પણ સામાવાળાનું ઉપરાણું લઇ મારી સાથે ઝઘડો કરતા હતા. મારા મોટા સસરા મને અવાર - નવાર કહેતા હતા કે,તમારા લગ્નનો તમામ ખર્ચ મેં કર્યો છે. તું ૨૦ લાખ તારા પિયરમાંથી લઇ આવ.તું તારા ઘરેથી પહેરામણીમાં પણ કોઇ સારી ચીજ વસ્તુ લાવી નથી. સાસરિયાઓના ત્રાસથી મેં મે - ૨૦૨૩ માં ફિનાઇલ પી લીધું હતું. પરંતુ, મારે ઘર સંસાર ચલાવવો હોવાથી મં સમાધાન કરી લીધું હતું.ગત તા.૧૪ - ૦૪ - ૨૦૨૪ ના રોજ મારા કાકા હરિશભાઇ રોહિત તથા મારો ભાઇ ભરત લગ્નની કંકોત્રી આપવા માટે મારી સાસરીમાં આવ્યા હતા. તે સમયે મારા સાસરીવાળાએ તકરાર કરતા હું મારા પિયરમાં આવતી રહી હતી.