વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ,ફાયર બ્રિગેડની પાણીની વિતરણ વ્યવસ્થા પણ ખોરવાઇ
રોજ 30 જેટલી ટેન્કરોની માંગણી સામે ગુરૃવારે 100ટેન્કરોની માંગ થતાં દોડધામ મચી
વડોદરાઃ વડોદરના પૂર્વ અને ઉત્તર વિસ્તારમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો કકળાટ થતાં લોકોને પાણીની વ્યવસ્થા માટે વલખાં મારવાનો વખત આવ્યો હતો.
કોર્પોરેશન દ્વારા મહી નદીના કૂવાની ફિડર લાઇનનું ઇન્ટર લિન્ક તેમજ લીકેજ રિપેરીંગની કામગીરીને કારણે શહેરના વાઘોડિયા રોડ,આજવારોડ,હરણી સહિતના વિસ્તારોમાં પાણીનો કકળાટ થયો હતો.
અનેક વિસ્તારોમાં પાણી માટે ટેન્કરોની માંગણી કરવામાં આવી હતી.કોમ્પ્લેક્સમાં રહેતા લોકોની હાલત વધુ કફોડી બની હતી. કેટલાકે પાણીની ખાનગી ટેન્કરો મંગાવવી પડી હતી.વડોદરા ફાયર બ્રિગેડની પાણી વિતરણની કામગીરી પર પણ ખાસ્સો એવો બોજો પડતાં કામગીરી ખોરવાઇ હતી.
સરેરાશ ૩૦ થી ૪૦ ટેન્કરોની માંગણી સામે વડોદરા ફાયર બ્રિગેડ પાસે આજે ૧૦૦ જેટલી ટેન્કરની માંગણી થઇ થતાં પાણી વિતરણ કરતાં નાકે દમ આવી ગયો હતો.વળી ફાયર બ્રિગેડના જવાનો પાણીની ટાંકી પર ટેન્કર ભરવા જતા હતા ત્યાં પણ પાણીનો સ્ટોક અપૂરતો હોવાથી તેમને પણ મુશ્કેલી પડી હતી.