Get The App

નોકરી છોડવા દબાણ કરીને પતિ અને સાસરિયાંઓ દ્વારા ત્રાસ અપાતો

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
નોકરી છોડવા દબાણ કરીને પતિ અને સાસરિયાંઓ દ્વારા ત્રાસ અપાતો 1 - image


બીજા લગ્ન બાદ પણ શિક્ષિકાને સુખ ન મળ્યું

પતિ દ્વારા અવારનવાર મારઝૂડ કરવામાં આવતી : કંટાળીને ડભોડા પોલીસમાં પાંચ સામે ફરિયાદ નોંધાવી

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા ડભોડા પંથકમાં રહેતી પરિણીતાને બીજા લગ્ન બાદ પણ સુખ મળ્યું નહીં અને પતિ દ્વારા શિક્ષિકાની નોકરી છોડી દેવા માટે દબાણ કરીને અવારનવાર ત્રાસ આપવામાં આવતો હતો. સાસુ અને નાણંદો પણ આ પરિણીતાને માનસિક ત્રાસ આપતા હતા છેવટે કંટાળીને તેણીએ પતિ સહિત પાંચ સામે ડભોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

છેલ્લા થોડા સમયથી મહિલાઓ ઉપર શારીરિક માનસિક અત્યાચારની ઘટનાઓ વધી રહી છે ત્યારે ચિલોડા પંથકમાં રહેતી અને ડભોડા પંથકમાં પરણાવેલી પરિણીતાને પતિ અને સાસરીયો દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. જે ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે આ યુવતીના લગ્ન અગાઉ ચાંદખેડા ખાતે રહેતા યુવાન સાથે થયા હતા પરંતુ પતિ સાથે મનમેળ નહીં થતા છૂટાછેડા લેવાયા હતા. ત્યારબાદ ડભોડા પંથકમાં રહેતા યુવાન સાથે એક વર્ષ અગાઉ જ લગ્ન કરવામાં આવ્યા હતા. જોકે લગ્નના થોડા દિવસો બાદ જ પતિ એના સાસરિયાઓ દ્વારા પોતાનું પોત પ્રકાશ દેવામાં આવ્યું હતું. આ પરિણીતા લગ્ન પછી નજીકમાં આવેલી શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતી હતી ત્યારે પતિ દ્વારા તેને નોકરી છોડી દેવા માટે દબાણ કરવામાં આવતું હતું અને પતિ ધંધો કરવા માટે અવારનવાર તેની પાસે રૃપિયા પણ માગતો હતો તેનું એટીએમ કાર્ડ પણ પતિએ જ રાખી લીધું હતું અને તેણીને કોઈ રૃપિયા આપતો ન હતો. તો બે નણંદ દ્વારા પણ તેણીના પતિની ઉશ્કેરણી કરવામાં આવતી હતી અને સાસુ દ્વારા પણ ત્રાસ આપવામાં આવતો હતો. ગત નવેમ્બર મહિનામાં પતિ દ્વારા તેની સાથે મારઝૂડ કરવામાં આવતા તે પોતાના પિયરમાં પહોંચી હતી અને ત્યારબાદ તેનો ભાઈ સરસામાન લેવા ગયો ત્યારે પણ સાસરીયાઓ દ્વારા સામાન નહીં આપીને તકરાર કરવામાં આવી હતી. આખરે કંટાળીને આ પરિણીતાએ ડભોડા પોલીસ મથકમાં પતિ સહિત પાંચ સાસરિયાઓ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.


Google NewsGoogle News