બાળકોનો ભોગ લેનાર લેક ઝોનનો કોન્ટ્રાક્ટ માત્ર 3 લાખમાં અપાયો,2માંથી 15 પાર્ટનર થઇ ગયા
વડોદરાઃ વડોદરા કોર્પોરેશને વર્ષે માત્ર રૃ.૩ લાખમાં હરણી લેકઝોનનો કોન્ટ્રાક્ટ ૩૦ વર્ષ માટે આપી દીધો હોવાની અને તેના પેટા કોન્ટ્રાક્ટ અપાયા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.પોલીસ કમિશનરે કહ્યું છે કે,કોર્પોરેશન પાસે કોન્ટ્રાક્ટના પેપર્સ માંગવામાં આવ્યા છે અને તેના શરતોની ભંગ કરનારા કોઇને છોડાશે નહિં.
હરણી લેકઝોનનો કોન્ટ્રાક્ટ નજીવી રકમમાં આપી દેનાર કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે ગઇકાલે નિર્દોષ ભૂલકાંઓના મોત નીપજ્યાં હતા.જે બનાવમાં કોર્પોરેશનને આરોપી બનાવવા માટે માંગણી કરવામાં આવી રહી છે ત્યારે કોર્પોરેશન પોતે ફરિયાદી બન્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ,વર્ષ-૨૦૧૭માં મેસર્સ કોટિયા પ્રોજેક્ટ નામની કંપની શરૃ થઇ ત્યારે તેમાં બિનિત કોટીયા અને હિતેષ કોટિયા સહિત ચાર જણા પાર્ટનર હતા.ત્યારબાદ થોડા જ સમયમાં બે પાર્ટનર નીકળી ગયા હતા અને બીજા ચાર પાર્ટનર ઉમેરાયા હતા.જેથી ભાગીદારોની સંખ્યા છ થઇ હતી.
આ પછી મૂડી રોકીને પ થી ૧૦ ટકાના ભાગીદારો ઉમેરાતા ગયા હતા.ખુદ કોર્પોરેશનનો પૂર્વ ટાઉન પ્લાનર ગોપાલ શાહ પણ તેમાં ૧૦ ટકાનો ભાગીદાર બન્યો હતો.પોલીસ કમિશનરે કહ્યું હતું કે,અમે કોર્પોરેશન પાસે કોન્ટ્રાક્ટના પેપર્સ માંગ્યા છે.આ કોન્ટ્રાક્ટમાં શરતોનો ભંગ કરનાર કોઇ પણ ચમરબંધીને છોડાશે નહિં.