હરણી લેક બોટ દુર્ઘટના : સ્કૂલ સંચાલકો સામે પણ કાર્યવાહી કરો...વાલીઓના ટોળા સ્કૂલ બહાર ઉમટતા પોલીસ બંદોબસ્ત વધારાયો

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
હરણી લેક બોટ દુર્ઘટના : સ્કૂલ સંચાલકો સામે પણ કાર્યવાહી કરો...વાલીઓના ટોળા સ્કૂલ બહાર ઉમટતા પોલીસ બંદોબસ્ત વધારાયો 1 - image

વડોદરા,તા.19 જાન્યુઆરી 2024,શુક્રવાર

હરણી લેક ઝોનમાં ગુરુવારની સાંજે સર્જાયેલી ગમખ્વાર બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષકોના મોત બાદ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો છે.

 આ ઘટનામાં જવાબદારો સામે કાર્યવાહી કરવાની ચારે તરફથી માંગ થઈ રહી છે. જે સ્કૂલમાં આ બાળકો ભણતા હતા તે ન્યૂ સનરાઈઝ સ્કૂલના વાલીઓમાં પણ ભારે આક્રોશ છે. તેઓ લેકઝોનના સંચાલકોની સાથે સાથે શાળા સંચાલકો સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

 આજે સ્કૂલ બંધ હોવા છતા સંખ્યાબંધ વાલીઓ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને તેમણે માંગ કરી હતી કે, શાળા સંચાલકો સામે પણ કાર્યવાહી થવી જોઈએ. આ મામલામાં સંચાલકોની પણ બેદરકારી છે.તેમણે પણ બાળકોની સલામતીનુ ધ્યાન રાખવાની જરુર હતી. શિક્ષકો સ્થળ પર હાજર હતા તો તેમણે બાળકોને બોટમાં બેસતા રોકવાના હતા.

 વાલીઓના ટોળા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા હોવાનુ જોઈને સ્કૂલની બહાર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. આમ તો સ્કૂલ ખાતે સાંજથી જ પોલીસ બંદોબસ્ત મુકાયો હતો પણ આજે મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ પર પહોંચે તેવી શક્યતા હોવાથી સવારથી જ સ્કૂલ પર વધારે પોલીસ કાફલો ખડકવામાં આવ્યો હતો. દરમિયાન સ્કૂલ ક્યારે અને કયા સંજોગોમાં ખુલશે તે બાબતને લઈને ભારે અનિશ્ચિતતાનો માહોલ છે.


Google NewsGoogle News