વધારે બાળકો બેસાડવાની અમે ના પાડી પણ બોટવાળો માન્યો નહીં : વડોદરા બોટ હોનારતમાં બચી ગયેલા શિક્ષકા
વડોદરા,તા.19 જાન્યુઆરી 2024,શુક્રવાર
વડોદરાના હરણી વિસ્તારના લેક ઝોન બોટ દુર્ઘટનામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના 12 બાળકો અને બે શિક્ષકો મોતને ભેટ્યા છે.
આ ઘટનામાં ઉગરી ગયેલા સ્કૂલના ડ્રોઈંગ શિક્ષિકા દિવ્યાબેન છજાણીએ પોતાની આંખો સામે બોટ પલટી ખાતી અને બાળકોને પાણીમાં ડૂબતા જોયા હતા. તેમનુ કહેવુ હતુ કે, બોટના બે રાઉન્ડ વાગી ચૂકયા હતા. આ બંને રાઉન્ડમાં બોટ ચલાવનારે ક્ષમતા કરતા વધારે સંખ્યામાં બાળકોને નહોતા બેસાડયા હતા. ત્રીજા રાઉન્ડમાં તેણે ચાર શિક્ષકોને અને 23 બાળકોને બેસાડી દીધા હતા.
વધુ વાંચો : હોડી દુર્ઘટના સમયે આવ્યા 'દેવદૂત'! ગેરેજમાં કામ કરતા મુકેશભાઈ સહિત ચાર લોકો તળાવમાં બાળકોને બચાવવા કૂદ્યા
દિવ્યાબેને કહ્યુ હતુ કે, આ પૈકીના લગભગ પંદર બાળકોને બોટના સંચાલકોએ લાઈફ જેકેટ પહેરાવ્યા હતા. બોટ ઓવરક્રાઉડ થઈ રહી હોવાનુ જોઈને મેં અને બીજા શિક્ષકોએ તેમને આટલા બધા બાળકોને બેસાડવાની ના પાડી હતી પણ બોટ ચલાવનારે કહ્યુ હતુ કે, તમે ચિંતા ના કરો...અમારા માટે તો આ રોજનુ છે. એ પછી તેણે બોટનુ એન્જિન સ્ટાર્ટ પણ કરી દીધી હતુ અને બોટ પાણીમાં આગળ વધી ગઈ હતી. અમારા ના કહેવા પર પણ બોટવાળા માન્યા નહોતા. હું અને બીજા એક શિક્ષક સામા કિનારા પર જ રહ્યા હતા અને બોટ જ્યારે કિનારા પર પહોંચવાની તૈયારીમાં હતી ત્યારે જ અચાનક પલટી ખાધી હતી. હું અને બીજા શિક્ષકો તે કિનારા તરફ દોડયા હતા અને 108 તેમજ ફાયર બ્રિગેડને ફોન કરવાની સાથે સાથે બૂમો પાડી હતી અને સ્થાનિક લોકોને બોલાવ્યા હતા. અમે ભેગા થઈને 10 જેટલા બાળકોને બહાર કાઢ્યા હતા.
તેમણે ચોંકાવનારો આક્ષેપ કરતા કહ્યુ હતુ કે, બોટ જ્યારે પલટી ખાઈ રહી હતી ત્યારે બોટ ચલાવનાર પહેલા જ પાણીમાં કુદી ગયો હતો.
- ફાલ્ગુનીબેનના છેલ્લા શબ્દો હતા કે, આ સાત બાળકોને સાચવજો
દિવ્યાબેને કહ્યુ હતુ કે, મારી સાથેના જે શિક્ષકો બચી ગયા છે તે બહુ આઘાતમાં છે. તેઓ કશું બોલવાની સ્થિતિમાં નથી. આ હોનારતમાં મૃત્યુ પામેલા મારા સાથી શિક્ષિકા ફાલ્ગુનીબેને બોટમાં બેસતા પહેલા તેમની સાથેના સાત બાળકોને મને સોંપ્યા હતા અને તેમના છેલ્લા શબ્દો હતા કે, દિવ્યાબેન આ સાત બાળકોને સાચવજો....
વધુ વાંચો : Vadodara Boat Accident : શિક્ષિકા - વિદ્યાર્થિનીના એકસાથે સ્મશાનમાં અંતિમ સંસ્કાર, હાજર સૌ કોઈ રડી પડ્યું