હરણી બોટ દુર્ઘટના : પરેશ શાહ અને ગોપાલ શાહ 9 દિવસના રિમાન્ડ પર
મિત્રો, સગા સંબંધીઓને જ ભાગીદાર બનાવી દીધા, કોન્ટ્રાક્ટમાં દર્શાવેલી સુરક્ષા માટેની શરતોમાંથી એકનું પણ પાલન થયુ નથી
વડોદરા : ૧૮મી જાન્યુઆરી ગુરૃવારે હરણી તળાવમાં બોટિંગ દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં ૧૪ના મોત માટે જવાબદાર આરોપીઓ એક બાદ એક પોલીસની પકડમાં આવી રહ્યા છે. અગાઉ ૭ આરોપીની ધરપકડ થઇ ચુકી છે દરમિયાન આ દુર્ઘટનાના મુખ્ય આરોપીઓ એવા પરેશ શાહ અને ગોપાલ શાહની પણ ધરપકડ કરવામા આવી હતી. બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરતા કોર્ટે ૯ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
બિનિત કોટિયા સહિતના અગાઉના ૭ આરોપીઓ હાલમાં પોલીસ રિમાન્ડ ઉપર છે ત્યારે આ બે મુખ્ય આરોપીઓ પરેશ શાહ અને ગોપાલ શાહના રિમાન્ડ દરમિયાન અગાઉના આરોપીઓને સાથે રાખીને અને અલગ અલગ રાખીને પુછપરછ કરાશે. પરેશ શાહ અને ગોપાલ શાહના રિમાન્ડની માગ વખતે પોલીસે કારણો રજૂ કર્યા હતા કે 'ગોપાલ શાહ અને પરેશ શાહ મુખ્ય આરોપી છે અને મુખ્ય કોન્ટ્રાક્ટર છે તેમના કોન્ટ્રાક્ટ સહિતના દસ્તાવેજો તથા બેન્ક વ્યવહારોની તપાસ કરવાની છે. બન્ને આરોપીઓ સંબંધમાં સાઢુભાઇ થાય છે. કોટિયા પ્રોજેક્ટના નામે હરણી તળાવમાં લેકઝોન એક્ટિવિટી શરૃ કરવા કોર્પોરેશનમાંથી કોન્ટ્રાક્ટ મેળવ્યો છે અને મિત્રો સગા સંબંધીઓને આ કોન્ટ્રાક્ટમાં ભાગીદાર બનાવ્યા છે જેમાં પરેશ શાહના પત્ની નુતન શાહ, પુત્ર વત્સલ શાહ, પુત્રી વૈશાલી શાહનો સમાવેશ થાય છે. નુતન, વત્સલ અને વૈશાલ ફરાર છે તો તેઓ ક્યાં છુપાયા છે તેની માહિતી પરેશ શાહ પાસે હોવાની પુરી સંભાવના છે એટલે તેની પુછપરછ કરવાની છે.
કોર્પેરેશન અને કોટિયા પ્રોજેક્ટ વચ્ચે થયેલા કોન્ટ્રાક્ટમાં સુરક્ષા માટે કોર્પોરેશન દ્વારા લેખિતમાં નક્કી કરાયેલી શરતોનું પાલન થયુ નથી તે સંબંધે પુછપરછ બાકી છે. આ ઉપરાંત બેટિંગ અને રાઇડ્સ માટે પેટા કોન્ટ્રાક્ટ અપાયો છે તો પેટા કોન્ટ્રાક્ટર સુરક્ષા નિયમોનું પાલન કરે છે કે નહી તેની દેખરેખ કેમ રાખવામાં આવી નથી તેની પણ તપાસ બાકી છે માટે ૧૦ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે. આ કેસમાં નિયૂક્ત સરકારી વકિલ અનિલ દેસાઇએ ઉપરોક્ત મુદ્દાઓ સાથે કરેલી દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે બન્ને આરોપીઓના ૯ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
કોર્પોરેશનની જાણ બહાર પેટા કોન્ટ્રાક્ટર નિલેશ જૈનને આપ્યો, ચાર વર્ષથી ખોટમાં ચાલતા પ્રોજેક્ટને આર્થિક મદદ કરનાર કોણ
- પરેશ શાહ અને ગોપાલ શાહ સાઢુભાઇ છે. બન્ને સાથે મળીને હરણી તળાવમાં કોટિયા પ્રોજેક્ટના નામથી લેકઝોન એક્ટિવિટી શરૃ કરવા કોન્ટ્રાક્ટ મેળવ્યો. કોર્પોરેશનમાંથી યેનકેન પ્રકારે ટેન્ડર મેળવી સગા સંબંધીઓ પાસે રોકાણ કરાવીને પ્રોજેક્ટ શરૃ કર્યો.
- કોર્પોરેશનની જાણ બહાર બોટિંગ અને રાઇડ્સનો કોન્ટ્રાક્ટ પેટા કોન્ટ્રાક્ટર નિલેશ જૈનને આપી દેવાયો. નિલેશ જૈન દ્વારા સુરક્ષા ઉપર કોઇ પણ પ્રકારનું ધ્યાન નથી અપાયુ અને આ બાબત પર મુખ્ય કોન્ટ્રાક્ટર કોટિયા પ્રોજેક્ટ અને કોર્પોરેશનના અધિકારીઓએ આંખ આડા કાન કર્યા
- પેટા કોન્ટ્રાક્ટરે ક્યા પ્રકારના સુરક્ષા સાધનો ખરીદ્યા છે તેની જાણકારી કોટિયા પ્રોજેક્ટના ભાગીદારો કે કોર્પોરેશનને નથી
- દુર્ઘટના બાદ પરેશ શાહ અને તેનો પુત્ર વત્સલ શાહ સ્થળ ઉપર હાજર હોવા છતા બન્ને ફરાર થઇ ગયા
- નિલેશ જૈન સાથે કરેલા ત્રિપક્ષીય કરારની કોપી અને આર્થિક વ્યવહારોની માહિતી હજુ પોલીસને મળી નથી
- ગોપાલ શાહ અગાઉ કોર્પોરેશનમાં ટાઉન પ્લાનર હતા. બિન અનુભવી કોટિયા પ્રોજેક્ટને લેકઝોનનો કોન્ટ્રાક્ટ અપાવવામાં ગોપાલ શાહે કોની મદદ લીધી.
- કોરોનાકાળણાં થયેલી આર્થિક નુકસાની ભરપાઇ કરવા અને વધુ આર્થિક લાભ મેળવવા હલકી ગુણવત્તાની રાઇડ્સ- બોટિંગ શરૃ કરી.
- વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૩ સુધી પ્રોજેક્ટ નુકસાનીમાં ચાલતો હતો તો પ્રોજેક્ટ ચાલુ રાખવા માટે આર્થિક મદદ કોણે કરી. આ પ્રોજેક્ટમાં છુપા પાર્ટનર કોણ કોણ છે.