Get The App

હરણી બોટ દુર્ઘટના : આરોપી દિપેન અને ધર્મિલ શાહ 6 દિવસના રિમાન્ડ ઉપર

પોલીસ માટે કોયડો કે દિપેન અને ધર્મિલે કોટિયા પ્રોજેક્ટમાં એક જ વર્ષમાં ભાગીદારી 60 ટકાથી ઘટાડીને 10 ટકા કેમ કરી નાખી

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
હરણી બોટ દુર્ઘટના : આરોપી દિપેન અને ધર્મિલ શાહ 6 દિવસના રિમાન્ડ ઉપર 1 - image


વડોદરા : બોટ દુર્ઘટનાના ૨૧ દિવસ બાદ પોલીસના હાથે ઝડપાયેલા કોટિયા પ્રોજેક્ટના પાંચ-પાંચ ટકાના ભાગીદારો દિપન  હિતેન્દ્ર શાહ અને ધર્મિલ ગિરિશ શાહને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ૧૦ દિવસ પોલીસ કસ્ટડી રિમાન્ડ માગવામાં આવ્યા હતા. કોર્ટે રિમાન્ડ માટેના કારણો સાંભળ્યા બાદ ૬ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પોલીસ માટે આ બન્ને આરોપીઓ પાસેથી ૬ દિવસમાં જે સવાલના જવાબો મેળવવાના છે તેમાં મુખ્ય કોયડો એ છે કે કોટિયા પ્રોજેક્ટમાં વર્ષ ૨૦૧૭માં દિપેન અને ધર્મિલની ભાગીદારી ૬૦ ટકા હતી. પરંતુ એવુ તો શુ બન્યુ કે એક જ વર્ષમાં બન્નેએ પોતાની ભાગીદારી ઘટાડીને ૧૦ ટકા (બન્નેના પાંચ-પાંચ ટકા) કરી નાખી. બન્ને માત્ર ૧૦ ટકાના જ ભાગીદાર હોવા છતાં કોટિયા પ્રોજેક્ટના બેન્ક એકાઉન્ટમાં મુખ્ય રોકાણકાર તરીકે દિપેશ અને ધર્મિલની સહીથી જ વહીવટ થતો હતો. લેકઝોનનો મેનેજર ભાવેશ ચૌહાણ આખી ચેકબુકમાં દિપેશ અથવા ધર્મિલની સહીઓ કરાવીને જતો રહેતો હતો.  પોલીસને મુંઝવણ એ છે કે આટલી મોટી પેઢીમાં આ પ્રકારે આર્થિક વ્યવહાર કેમ થતો હતો. તેની પાછળ માસ્ટર માઇન્ડ કોણ છે. કોને ક્યા પ્રકારનો અને કેટલો આર્થિક લાભ મળતો હતો. 

આ ઉપરાંત દિપેન હિતેન્દ્ર શાહ અને ધર્મિલ ગિરિશ શાહનું સરનામું (પુનિત નગર, મલ્હાર પોઇન્ટ, ઓલ્ડ પાદરા રોડ વડોદરા) એક જ છે જ્યારે કે ધર્મિલ રહે છે મુંબઇમાં છતાં બન્નેનું સરનામું એક જ કેમ બતાવવામાં આવ્યુ છે. દુર્ઘટના બાદ દિપેન હરણી તળાવ પાસે હાજર હતો અને પોલીસ સમક્ષ હાજર થવાને બદલે ફરાર થઇ ગયો હતો. ૨૧ દિવસ દરમિયાન તે ક્યાં ક્યાં ભાગ્યો અને તેને શરણ આપનાર કોણ  હતુ તેની તપાસ કરવાની બાકી છે. આ કારણોસર સાથે સરકાર તરફે આજે વકીલ હિતેશ ગુપ્તાએ દલીલો કરી હતી જે બાદ કોર્ટે ડીજીપી અને તપાસ અધિકારીને તથા બચાવ પક્ષને પણ સાંભળ્યા હતા અને ૬ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પોલીસ અને દિપેન શાહ વચ્ચે સવાલ જવાબ : મોબાઇલ ક્યાં છે ? ખાડીમાં નાખ્યો... મોબાઇલ નંબર શું છે ? મને ખબર નથી

કોટિયા પ્રોજેક્ટના પાંચ-પાંચ ટકાના ભાગીદારો દિપેન શાહ અને ધર્મિલ શાહ હવે પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ ઉપર છે. બન્નેની ધરપકડ બાદ પોલીસે જ્યારે તેઓની પુછપરછ શરૃ કરી તો પોલીસ દંગ રહી ગઇ કેમ કે રિઢા ગુનેગારની જેમ બન્ને આરોપીઓ પોલીસના એક પણ સવાલનો યોગ્ય જવાબ આપતા નથી.

૨૧ દિવસમાં કોની ટ્રેનિંગ લીધી કે આરોપીઓ પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ ગાંઠતા નથી અને ગોળગોળ ફેરવે છે


પોલીસ અધિકારીઓ દિપેનને સવાલ પુછ્યો કે તારો મોબાઇલ ક્યાં છે તો દિપેને જવાબ આપ્યો કે મુંબઇ નજીક મનોરની ખાડીમાં ફેંકી દીધો. અચ્છા તો તારો મોબાઇલ નંબર જણાવ... તો દિપેન કહે છે કે મને ખબર નથી. મોબાઇલનું બિલ ? એ પણ મને ખબર નથી. 

દિપેનના આ પ્રકારના વ્યવહારથી પોલીસને આશ્ચર્ય છે કે ઘટના બાદ ૨૧ દિવસથી ભાગતા દિપેને કોની ટ્રેનિંગ લીધી કે તે પોલીસને પણ ગોળગોળ ફેરવે છે. પોલીસ હવે દિપેનનો મોબાઇલ ફોન રિકવર કરવા માટે દોડધામ કરી રહી છે.

દિપેન વડોદરાથી કરજણ ગયો અને ત્યાંથી તેનો ડ્રાઇવર મહારાષ્ટ્ર સુધી લઇ ગયો

દિપેશ શાહે પોલીસને કહ્યું હતું કે તે દુર્ઘટના બાદ હરણી તળાવ પાસે હાજર હતો ત્યાર બાદ ધર્મિલનો ફોન આવ્યો કે તુ મોબાઇલ બંધ કરીને મુંબઇ આવી જા એટલે વડોદરાથી કરજણ ગયો. મારો જુનો ડ્રાઇવર કાંતી કરજણ આવી ગયો અને ત્યાંથી તે મને મહારાષ્ટ્ર બોર્ડર સુધી છોડી ગયો.

પરંતુ દિપેશ પોલીસને એ નથી બતાવતો કે વડોદરાથી કરજણ કઇ રીતે ગયો. ભાગતી વખતે તેણે કઇ ગાડીનો ઉપયોગ કર્યો હતો એટલે પોલીસે હજુ આ પ્રશ્નોના જવાબ મેળવવાના છે અને ગાડી પણ કબજે કરવાની છે તથા કાંતિનું નિવેદન પણ લેવાનું છે.



Google NewsGoogle News