ગણેશજીની સવારીમાં થયેલા ઝઘડામાં હનુમાનજીની મૂર્તિને નુકસાન
જાનથી મારી નાંખવાની ધમકી આપી તલવાર અને લોખંડના પંચ વડે હુમલો કર્યો
વડોદરા,ગણેશજીની સવારીમાં સામેલ છોકરાઓ અંદરોઅંદર ઝઘડો કરતા હોઇ તેઓને છોડાવવા વચ્ચે પડેલા સિનિયર સિટિઝન પર તલવાર અને લોખંડના પંચથી હુમલો કરવામાં આવ્યો હતો. આ મારામારીમાં તુલસીવાડી હનુમાનજી મંદિરની મૂર્તિને પણ નુકસાન થયું હતું. કુંભારવાડા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તુલસીવાડી શોપિંગ સેન્ટરમાં રહેતા મોહનભાઇ કેશવભાઇ ખુમાણે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, તુલસીવાડી હનુમાનજી મંદિર પાસે ગણેશજીની સવારીમાં નરેશ તથા ગોવિંદ નામના છોકરાઓ ઝઘડતા હતા. હું તથા મારો દીકરો છોડાવવા વચ્ચે પડતા તેઓએ મારા પિતા, બે પુત્રો તથા પત્નીને તલવાર અને લોખંડના પંચથી માર માર્યો હતો. તેઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપી જાતિ અપમાનિત શબ્દો પણ કહ્યા હતા.
જ્યારે અન્ય એક ફરિયાદ તુલસીવાડીમાં રહેતા ૬૦ વર્ષના જબ્બરસિંહ કિશોરસિંહ રાજપૂતે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૧૭ મી એ રાતે ૧૧ વાગ્યે હું તુલસીવાડી વડેશ્વર હનુમાનજી મંદિર પાસે ઉભો હતો. તે સમયે ગણેશજીની વિસર્જન યાત્રા નીકળી હતી. જેમાંથી કેટલાક છોકરાઓ ઝઘડો કરતા મંદિર પાસે આવી ગયા હતા. જેથી, હું તેઓને છોડાવવા માટે જતા રાકેશ તથા મિહીરે તમે કેમ છોડાવવા વચ્ચે પડો છો ? તેવું કહીને મારી સાથે ઝઘડો શરૃ કર્યો હતો. તેઓ ગાળો બોલતા હોઇ મેં તેઓને ગાળો બોલવાની ના પાડી હતી.રાકેશે ઉશ્કેરાઇને મને માથામાં લાકડીનો ફટકો મારી દીધો હતો. મિહીરે મને પકડી રાખ્યો હતો અને સાગરે મને બરડાના ભાગે માર માર્યો હતો. ઉશ્કેરાયેલા રાકેશે વડેશ્વર હનુમાનજી મંદિર પાસે મંદિરમાં પડેલા નાળિયેરની છાલ રાખવા માટેનો પતરાનો ડબો મારા પર ફેંકતા હનુમાનજીની મૂર્તિને ડબો વાગતા આંખ તથા નાકના ભાગે નુકસાન થયું હતું. દરમિયાન મંગાભાઇ તથા મારા પત્નીએ વચ્ચે પડીને મને છોડાવ્યો હતો. મને માથાના ભાગે ઇજા થતા સયાજી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.