રિક્ષાની પાછળની ગ્રીલ પર લટકીને સ્ટંટબાજી કરવાનું ભારે પડયું

વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં : રિક્ષા ચાલક સહિત ચારને ઝડપી પાડી ગુનો દાખલ કર્યો

Updated: Apr 7th, 2024


Google NewsGoogle News
રિક્ષાની પાછળની ગ્રીલ  પર લટકીને સ્ટંટબાજી કરવાનું ભારે  પડયું 1 - image

વડોદરા,શહેરના ફતેગંજ વિસ્તારમાં ચાલુ રિક્ષાની પાછળ લટકીને સ્ટંટબાજી કરતા ત્રણ સગીર સહિત છ લોકોનો વીડિયો વાયરલ થતા  પોલીસ દોડતી થઇ  ગઇ હતી. રિક્ષાના રજિસ્ટ્રેશન નંબરના આધારે પોલીસે રિક્ષા ડ્રાઇવર  તથા તેના ત્રણ મિત્રોને શોધી કાઢ્યા છે. જ્યારે અન્ય ત્રણ સગીરની શોધખોળ હાથ ધરી છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં  બ્રિજ પર દોડતી રિક્ષાની પાછળ બાળકો અને યુવાનો લટકીને સ્ટંટબાજી કરતા નજરે પડયા હતા. જેથી, પોલીસે આ વીડિયોના આધારે તપાસ  શરૃ કરી હતી. વીડિયોમાં દેખાતા રિક્ષાના રજિસ્ટ્રેશન નંબરના આધારે પોલીસે રિક્ષા ડ્રાઇવર જુબેર જાકીરઅલી પઠાણ (રહે.કુંભાર ચાલ, નવાયાર્ડ) ને શોધી કાઢ્યો હતો. તેની પૂછરપછ કરતા તેણે જણાવ્યું હતું કે, રાતે એક વાગ્યે ચિશ્તિયા મસ્જિદ નવાયાર્ડથી હું તથા મારા મિત્રો સદાબ ઉર્ફે આફ્રિત રફિઆલક પઠાણ (રહે. હુસેની પાર્ક, મધુ નગર બ્રિજ પાસે, ગોરવા), અકરમ મોહંમદઉમર પઠાણ તથા કાદીર ઐલુમ  પઠાણ  (બંને રહે. કુંભાર ચાલ, નવાયાર્ડ) સાથે નીકળ્યો હતો. ટી.પી. ૧૩ પાણીની ટાંકી પાસેથી મારા ત્રણ મિત્રો તથા અન્ય ત્રણ છોકરાઓ રિક્ષા ધીમી પડતા જ રિક્ષાની પાછળની ગ્રીલ પર લટકી ગયા હતા. તેઓ લટકીને મજાક મસ્તી તથા સ્ટંટ કરતા હતા. તેનો વીડિયો કોઇએ ઉતારી વાયરલ કરી દીધો હતો. પોલીસે રિક્ષા ડ્રાઇવર સહિત ચારેયની સામે ગુનો દાખલ કરી રિક્ષા કબજે લઇ ધરપકડ કરી હતી.


Google NewsGoogle News