ટ્રેનના એસી કોચમાં દાગીના, રોકડ મૂકેલ મહિલાના પર્સની તફડંચી
વડોદરા રેલવે સ્ટેશન આવતા મહિલા ઊંઘમાંથી જાગી તો પર્સ ગાયબ ઃ ૧.૦૪ લાખની ચોરી
વડોદરા, તા.9 ટ્રેનના એસી કોચમાં પ્રવાસ કરી કેરાલાથી અમદાવાદ પરિવારના સભ્યો સાથે જતી મહિલાની રોકડ, સોનાના દાગીના મળી કુલ રૃા.૧ લાખથી વધુ મત્તા મૂકેલ બેગની તફડંચી થઇ હતી.
પોલીસના જણાવ્યા મુજબ અમદાવાદના મકરબા વિસ્તારમાં સત્યદિપ હાઇટ્સમાં રહેતા આશા રદિશન ગંગાધરન તેમના પતિ અને પુત્ર સાથે કેરાલાના કન્નુર રેલવે સ્ટેશનથી અમદાવાદ આવવા માટે તિરુવનવેલી-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં મુસાફરી કરતાં હતાં. મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ આશાબેન ઊંઘમાંથી જાગ્યા ત્યારે તેમની બ્રાઉન કલરની હેન્ડબેગ સાથે હતી.
સવારે પાંચ વાગે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર આવતાં તેઓ ઊંઘમાંથી જાગી ગયા ત્યારે હેન્ડબેગ ગાયબ હતી. આ બેગની કોચમાં શોધખોળ કરવા છતાં મળી ન હતી. બેગમાં સોનાની પેન્ડલવાળી ચેન, સોનાની વીંટી અને રૃા.૪૪ હજાર રોકડા તેમજ મોબાઇલ મળી કુલ રૃા.૧.૦૪ લાખની મત્તા હતી. આ અંગે આશાબેને રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૃ કરી છે.