રિફાઇનરીની બીજી ટેન્કો ચપેટમાં આવી હોત તો 40000 લોકોનું સ્થળાંતર કરવાની નોબર આવી હોત
આગનું સ્વરૃપ રૌદ્ર બનતાં અમદાવાદ,સુરત અને ગાંધીનગરની ફાયર ટીમોને રાતે બાેલાવી લીધી
વડોદરાઃ રિફાઇનરીમાં લાગેલી આગ બેકાબૂ બની હોત તો આસપાસના ગામોને ખાલી કરવા પડે તેવી નોબત આવી હોત.પરંતુ બીજી ટેન્કમાં આગ લાગ્યા બાદ સ્થિતિ કાબૂમાં આવી જતાં વડોદરાના માથેથી મોટી ઘાત ટળી હતી.
ગુજરાત રિફાઇનરીમાં પહેલી ટેન્કમાં લાગેલી આગ આઠેક વાગ્યાના અરસામાં કાબૂમાં આવે તેવી સ્થિતિ હતી.પરંતુ ત્યારબાદ બીજી ટેન્કનું ઢાંકણ ઉછળતાં તેમાં પણ બ્લાસ્ટ થયો હતો અને આગે વિકરાળરૃપ ધારણ કર્યું હતું.
ઉપરોક્ત બનાવ બાદ બાકીની ટેન્કોને બચાવી લેવાનો મોટો પડકાર હતો.કલેક્ટરે હાઇલેવલની મીટિંગ લીધી હતી તો બીજી તરફ ગ્રામજનોના જીવ તાળવે ચોંટાયા હતા. ઉપરોક્ત સ્થળે ૨૬૮ ટેન્કો હતી.જો આગ બીજી ટેન્કો સુધી પહોંચી હોત તો ૩૦ થી ૪૦ હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવું પડે તેવી નોબત આવી હોત.
સ્થિતિ જોતાં વડોદરાની આસપાસની નગરપાલિકાઓની ફાયર બ્રિગેડ ઉપરાંત સુરત,અમદાવાદ અને ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમોને પણ રાતે જ બોલાવી લેવામાં આવી હતી.પરંતુ રાતે દોઢ વાગ્યા બાદ આગ કાબૂમાં આવવા માંડતા મોટી ઘાત ટળી હતી અને તંત્ર તેમજ ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.