જીમ ટ્રેનરે મિત્રને દારૃ પીવડાવી મોતને ઘાટ ઉતારી લાશ કેનાલમાં ફેંકી દીધી
ગૂમ થયાની અરજીની તપાસ દરમિયાન પોલીસ હત્યારા સુધી પહોંચી : દારૃ પીવડાવ્યા પછી ઓશીકા વડે મોંઢું દબાવી ગૂંગળાવી દીધો
વડોદરા, એક લાખની ઉઘરાણી કરતા મિત્રને ઘરે બોલાવી દારૃ પીવડાવી જીમ ટ્રેનરે ઓશીકા વડે મોંઢું દબાવી દઇ ગૂંગળાવી મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ તેની લાશ ધનિયાવી રોડ પર આવેલી નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી. ગૂમ થયાની અરજીના આધારે મકરપુરા પોલીસે શરૃ કરેલી તપાસ અંતે મર્ડર સુધી પહોંચી ગઇ હતી. મકરપુરા પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી જીમ ટ્રેનરને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હરણી રોડ વૃંદાવન સોસાયટીમાં રહેતો જૈમિન વિનોદભાઇ પંચાલે તરસાલીમાં રહેતા જીમ ટ્રેનર મિત્ર સતિષ મોતીભાઇ વસાવા (રહે. દ્વારકેશ હેવન, તરસાલી) ને એક લાખ આપ્યા હતા. પૈસા પરત કરવાની મુદ્દત વીતી જવા છતાંય જીમ ટ્રેનર તેને પૈસા પરત આપતો નહતો. જેથી, જૈમિને ઉઘરાણી શરૃ કરી હતી. ગત તા. ૩૧ મી એ બપોરે સતિષ વસાવાએ ફોન કરીને જૈમિન વસાવાને પાર્ટી કરવા માટે પોતાના ઘરે બોલાવ્યો હતો. ત્યારબાદ જૈમિન ગૂમ થઇ ગયો હતો. પરિવારજનોએ તેની શોધખોળ કરતા તેનો કોઇ પત્તો લાગ્યો નહતો. જેથી, જૈમિનના પિતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં પુત્ર ગૂમ થયાની જાણ ગત તા. ૩૧ મી એ જ કરી હતી.જે જાણવા જોગ નોંધના આધારે મકરપુરા પોલીસે તપાસ શરૃ કરી હતી. ડીસીપી લિના પાટિલ તથા એસીપી પ્રણવ કટારિયાની સૂચના મુજબ, મકરપુરા પી.આઇ. જે.એન. પરમારે તપાસ હાથ ધરતા સતિષ વસાવા શંકાના ઘેરામાં આવ્યો હતો. પોલીસે સતિષ વસાવાની પૂછપરછ કરતા તેણે શરૃઆતમાં પોલીસને ગોળ - ગોળ ફેરવી હતી. ત્યારબાદ પોલીસે કડકાઇથી પૂછપરછ કરતા તેણે મોંઢું ખોલ્યું હતું. સતિષે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, જૈમિનને દારૃ પીવડાવીને ધૂત કર્યા પછી તેના મોંઢા પર ઓશીકું દબાવીને ગૂંગળાવી દીધો હતો. જૈમિન મરણ પામ્યા પછી તેની લાશ તરસાલી ધનિયાવી રોડ પર આવેલી નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી. મકરપુરા પોલીસે સતિષ વસાવાની કબૂલાતના આધારે મર્ડરનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
જીમ ટ્રેનર સતિષ વસાવા આર્થિક ભીંસમાં હતો
વડોદરા,જૈમિન વસાવાના માતા - પિતા વૃંદાવન સોસાયટીમાં રહે છે. જ્યારે જૈમિન તેની પત્ની સાથે તરસાલી મોતી નગરમાં રહેતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, જૈમિને એક લાખ રૃપિયા સતિષ વસાવાને આપ્યા હતા. જેની ઉઘરાણીને લઇને બંને વચ્ચે મનદુખ હતું. સતિષ આર્થિક કટોકટીમાં હતો. તે મુદ્દત વીતી ગયા છતાંય જૈમિનને પૈસા પરત આપવામાં નિષ્ફળ ગયો હતો.
લાશ શોધવા માટે કેનાલ ઉલેચતી પોલીસ
વડોદરા,સતિષ વસાવાએ પોલીસને જણાવ્યું હતું કે, જૈમિનની હત્યા કરીને તેની લાશ ધનિયાવી રોડ પરની નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી. જેથી, પોલીસની ટીમે લાશ શોધવા માટે કેનાલમાં તપાસ શરૃ કરી છે. કેનાલનું પાણી અટકાવી દઇને કેનાલ ઉલેચવાનું શરૃ કરવામાં આવ્યું છે. પરંતુ, હજીસુધી તેની લાશ મળી નથી. જૈમિનનો મોબાઇલ ફોન પણ હજી મળ્યો નથી
સતિષની માતા લાશ ભરેલો કોથળો લઇને બાઇકની પાછળ બેઠી
વડોદરા,જૈમિનની હત્યા પછી સતિષ વસાવાએ તેની લાશ કોથળામાં ભરી દીધી હતી. જૈમિનની જ સ્પોર્ટ્સ બાઇક પર લાશ ભરેલો કોથળો લઇને સતિષની માતા બેઠી હતી. હાઇવે સુધી ગયા પછી સતિષની માતા ઉતરીને ઘરે પરત આવી ગઇ હતી. જ્યારે સતિષ ધનિયાવી ગામથી પાંચેક કિલોમીટર દૂર આવેલી નર્મદા કેનાલમાં લાશને ફેંકી આવ્યો હતો.
જૈમિનના મોબાઇલ ડિટેલ્સના આધારે પોલીસે ૧૦ થી ૧૨ લોકોની પૂછપરછ કરી
વડોદરા,જૈમિનના ગૂમ થયા પછી પોલીસે તેના મોબાઇલ નંબરના સીડીઆર મંગાવી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન એવા ૧૦ થી ૧૨ લોકોના નંબર મળ્યા હતા. જેઓની સાથે જૈમિને અવાર - નવાર વાતચીત કરી હતી. જેથી, પોલીસે તેઓને બોલાવી પૂછપરછ કરી હતી. જેમાં સતિષ વસાવા પર શંકા જતા તેની પૂછપરછ કરતા ભાંડો ફૂટયો હતો.
એક લાખ પૈકી ૧૦ હજાર પરત ચૂકવી દીધા હતા
વડોદરા,પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, જૈમિને મિત્રતામાં સતિષ વસાવાને એક લાખ આપ્યા હતા. તે પૈકી ૧૦ હજાર તેણે જૈમિનને પરત આપી દીધા હતા. જૈમિને વ્યાજે રૃપિયા આપ્યા નહતો. જૈમિને અન્ય કોઇને રૃપિયા આપ્યા છે કે કેમ ? તે અંગે હજી જાણ નથી. પોલીસની પ્રાથમિકતા લાશ શોધવાની છે.