વડોદરાના ગોત્રીમાં આઠમાં માળે ફ્લેટમાં ગીઝર બ્લાસ્ટ થતાં જિમ ટ્રેનરનું બાથરૂમમાં જ મોત
વડોદરા,તા.29 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર
વડોદરાના ગોત્રી વિસ્તારમાં આજે બપોરે એક ફ્લેટમાં ગીઝર બ્લાસ્ટ થવાને કારણે એક યુવકનું મોત નીપજવાનું બનાવ બનતા પોલીસે બનાવનું કારણ જાણવા ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી છે.
ગોત્રી વિસ્તારમાં આવેલા પ્રિન્સ રીટ્રીટ નામના એપાર્ટમેન્ટના આઠમા માળે રહેતા 40 વર્ષીય અભિષેક ત્રિવેદી જિમ ટ્રેનર તરીકે કામ કરી રહ્યા હતા. આ ફ્લેટમાં તેઓ એકલા રહેતા હતા. જ્યારે નજીકના ટાવરમાં છઠ્ઠા મળે તેમના ભાઈ રહેતા હતા.
આજે બપોરે એકાએક અભિષેક ત્રિવેદીના બાથરૂમમાં બ્લાસ્ટ સાથે આગ લાગતા સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા અને આગ કાબુમાં લીધી હતી. આ વખતે બાથરૂમમાં અભિષેકનો સળગી ગયેલી હાલતમાં મૃતદેહ જોઈ લોકો હેતબાઈ ગયા હતા. બાથરૂમમાં ગીઝર બ્લાસ્ટ થયું હોવાનું જણાઈ આવ્યું હતું. તેનો વાયર અને ટાઇલ્સના ટુકડા વેર વિખેર હતા.
બનાવની જાણ ફાયર બ્રિગેડને તેમજ પોલીસને કરવામાં આવતા ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. તેમણે બનાવવાનું કારણ જાણવા માટે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી છે.