સરકારી વીજ કંપનીઓની ઓફિસો ગિફટ સિટીમાં ખસેડવા હિલચાલ

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
સરકારી વીજ કંપનીઓની ઓફિસો ગિફટ સિટીમાં ખસેડવા હિલચાલ 1 - image

વડોદરાઃ એક તરફ સરકારે ગાંધીનગરના ગિફટ સિટીને દારુબંધીમાંથી મુક્તિ આપી છે તો બીજી તરફ ગુજરાત સરકારની વીજ કંપની જીયુવીએનએલ(ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ) અને તેની સંલગ્ન વીજ કંપનીઓની ઓફિસો પણ વડોદરાથી ગિફટ સિટીમાં ખસેડવા માટે હિલચાલ શરુ કરવામાં આવી છે.

મળતી વિગતો પ્રમાણે ગિફટ સિટીમાં જગ્યા ભાડે લેવા માટે સરકારની વીજ કંપની જેટકો દ્વારા ટેન્ડરો મંગાવવામાં આવ્યા છે.જેમાં જણાવ્યા અનુસાર વીજ કંપનીઓ માટે ગિફટ સિટીમાં ૪૫૦૦૦ સ્કેવર ફૂટ જગ્યા ભાડે રાખવાની યોજના છે.આ માટે ટેન્ડર ભરવાની છેલ્લા તારીખ ૪ એપ્રિલ રાખવામાં આવી છે.શરુઆતના તબક્કે પાંચ વર્ષ માટે જગ્યા લિઝ પર લેવામાં આવશે.

આ જાણકારી બહાર આવતાની સાથે જ કર્મચારી આલમમાં પણ હલચલ શરુ થઈ ગઈ છે.સત્તાધીશો એવી દલીલ કરી રહ્યા છે કે, જીયુવીએનએલ અને તેની સંલગ્ન વીજ કંપનીઓના અધિકારીઓની ઓફિસો ભલે વડોદરાના રેસકોર્સ સર્કલ સ્થિત હેડ ક્વાર્ટરમાં હોય પણ સપ્તાહમાં ચાર દિવસ આ કંપનીઓના ટોચના અધિકારીઓને ગાંધીનગર જ બેઠકો માટે હાજર રહેવુ પડતુ હોય છે.જેને ધ્યાનમાં રાખીને ગિફટ સિટીમાં પણ વૈકલ્પિક જગ્યા પણ ઉભી કરવી જરુરી છે.જેથી અધિકારીઓ ત્યાં પણ બેસી શકે તથા મહત્વની બેઠકોનુ આયોજન કરી શકે.

બીજી તરફ કર્મચારી આલમમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે એક વખત ગિફટ સિટીમાં વીજ કંપનીઓની ઓફિસો કાર્યરત થઈ જશે પછી ટોચના અધિકારીઓ કાયમ માટે ત્યાં જ બેસશે.તમામ મહત્વના નિર્ણયો પણ ત્યાંથી જ લેવામાં આવશે અને વડોદરામાં કામ કરતા નીચેના અધિકારીઓએ તો માત્ર તેના પર અમલ કરવાનો રહેશે.ગિફટ સિટીમાં જગ્યા ભાડે રાખવાના નિર્ણયથી વીજ કંપનીઓ પર કરોડો રુપિયાનો બોજો પણ આવશે.કારણકે સરકારે ગિફટ સિટીને દારુબંધીમાંથી મુક્તિ આપવાની જાહેરાત કર્યા બાદ અહીંયા ઓફિસોના ભાવ આસમાને પહોંચે તેવી અટકળો થઈ રહી છે.

ભવિષ્યમાં જીયુવીએનએલ, જેટકો અને જીસેકની તમામ કામગીરી ગાંધીનગર ખસેડાય તેવી ચર્ચા

કર્મચારી આલમમાં એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે, હાલમાં એમજીવીસીએલની સાથે સાથે જીયુવીએનએલ, જેટકો અને જીસેક એમ ચાર વીજ કંપનીઓનુ કોર્પોરેટ હેડક્વાર્ટર વડોદરામાં છે.એક વખત ગિફટ સિટીમાં નવી ઓફિસો શરુ થઈ જાય તે બાદ ભવિષ્યમાં  એમજીવીસીએલને બાદ કરતા બાકીની ત્રણ વીજ કંપનીઓની સંપૂર્ણ કામગીરી અને બાકીની ઓફિસોનુ પણ ગાંધીનગર ખાતે સ્થળાંતર કરવાનો નિર્ણય સરકાર લઈ શકે છે.એમજીવીસીએલનુ કામ મધ્ય ગુજરાતમાં વીજ વિતરણ કરવાનુ છે અને તેને ધ્યાનમાં રાખીને તેનુ હેડક્વાર્ટર વડોદરામાં જ રાખવામાં આવી શકે છે.જોકે ઓફિસોનુ ૧૦૦ ટકા સ્થળાંતર પણ એટલુ આસાન નહીં હોય.કારણકે તેની સામે કર્મચારીઓ બાંયો ચઢાવે તેવી પણ શક્યતા છે.

અગાઉ જેડા અને શિક્ષણ બોર્ડની કચેરીઓ ગાંધીનગર ખસેડાઈ હતી 

વીજ કંપનીઓની ઓફિસો ગિફટ સિટીમાં ખસેડવાના નિર્ણયથી વડોદરાને વધુ એક અન્યાય થશે.આ પહેલા જેડા( ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ ઓથોરિટી) તેમજ માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીઓ પણ ગાંધીનગર ખસેડાઈ ચૂકી છે.વડોદરાના એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાની યોજનાઓ અને જાહેરાતો પણ હજી કાગળ પર જ છે ત્યારે વીજ કંપનીઓના હેડક્વાર્ટર પણ લાંબા ગાળે ગાંધીનગર ખસેડવામાં આવશે તેવુ મનાઈ રહ્યુ છે.


Google NewsGoogle News