Get The App

હવે રાજ્યમાં ઓનલાઈન મોકલાશે સમન્સ, વોરંટ અને નોટિસ; ગુજરાતના પોલીસ વડાનો મોટો નિર્ણય

વડોદરામાં પહેલીવાર સ્ટેટ ક્રાઇમ કોન્ફરન્સ મળી,સાયબર ક્રાઇમ સૌથી મોટો પડકાર,સતર્કતા જ તેનો ઉપાય

Updated: Sep 24th, 2024


Google NewsGoogle News
હવે રાજ્યમાં ઓનલાઈન મોકલાશે સમન્સ, વોરંટ અને નોટિસ; ગુજરાતના પોલીસ વડાનો મોટો નિર્ણય 1 - image


વડોદરાઃ વડોદરા શહેરમાં પહેલીવાર યોજાયેલી સ્ટેટ ક્રાઇમ કોન્ફરન્સ બાદ રાજ્યના પોલીસ વડાએ ગુજરાત પોલીસ હવે સમન્સ,વોરંટ અને નોટિસની ઓનલાઇન બજવણી કરવા માટે સજ્જ થઇહોવાનું કહ્યું હતું.

રાજ્યના પોલીસ વડાએ દર મહિને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવાનું નક્કી કર્યું છે.અત્યાર સુધી આ કોન્ફરન્સ ગાંધીનગર કે અમદાવાદમાં મળતી હતી.પરંતુ હવેથી જુદા જુદા શહેરોમાં મળનાર છે.જે અંતર્ગત આજે વડોદરા શહેરમાં યોજાયેલી કોન્ફરન્સમાં રાજ્યના ૧૭ સિનિયર આઇપીએસ હાજર રહ્યા હતા.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે કહ્યું હતું કે,આજની ક્રાઇમ કોન્ફરન્સમાં ક્રાઇમ રેટ ઉપરાંત આગામી નવરાત્રીના બંદોબસ્ત સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે,આગામી દિવસોમાં તમામ સ્થળે સમન્સ,વોરંટ અને નોટિસ ઓનલાઇન મોકલવામાં આવે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

તેમણે કહ્યું હતું કે,પોલીસ માટે સૌથી મોટો પડકાર સાયબર ફ્રોડનો છે.તમામ વર્ગ અને તમામ ઉંમરના લોકો તેનો ભોગ બની રહ્યા છે.સાયબર ફ્રોડથી બચવા માટે સતર્કતા જ સૌથી ઉત્તમ ઉપાય છે.જો આપણે ઓનલાઇન ઓટીપી કે અન્ય કોઇ માહિતી શેર ના કરીએ,અજાણી વ્યક્તિ સાથે વીડિયો પર વાત કરવાનું ટાળીએ કે કોઇ પણ લિન્ક પર ક્લિક ના કરીએ તો મોટાભાગના લોકો બચી શકે તેમ છે.

ગુજરાત પોલીસ સાયબર ફ્રોડ માટે હેલ્પ લાઇન ચલાવી રહી છે.અમે અવેરનેસ પ્રોગ્રામ પણ કરી રહ્યા છીએ અને ઓગષ્ટ મહિનામાં સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકોને રૃ.૨૬ કરોડ પરત અપાવ્યા છે.આ ઉપરાંત પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ઓગષ્ટ મહિનામાં રાજ્યમાં કુલ રૃ.૧૭.૫૦ કરોડની મત્તા લોકોને પરત અપાવી છે.જ્યારે,એક જ મહિનામાં રૃ.૩૩ કરોડના દારૃનો નાશ કરવામાં આવ્યો છે.

ત્રણ વાત તમારી,ત્રણ વાત અમારી.. અભિયાન હેઠળ પોલીસે 1060 મીટિંગ કરી

નાગરિકોની સમસ્યા અને પોલીસની સમાજ પાસે અપેક્ષાનો સંવાદ પોર્ટલ પર અપલોડ કરાય છે

પોલીસ અને પ્રજા વચ્ચે સેતુ બનાવવા માટે રાજ્ય પોલીસે ત્રણ વાત તમારી,ત્રણ વાત અમારી અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૧૦૬૦ મીટિંગ કરવામાં આવી છે.

રાજ્યના પોલીસ વડાએ કહ્યું હતું કે, ગુજરાત પોલીસનું કોમ્યુનિટી પોર્ટલ ત્રણ વાત તમારી,ત્રણ વાત અમારી હેઠળ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તાર,આઉટ પોસ્ટ વિસ્તાર જેવા સ્થળે ઓછામાં ઓછા ૨૦ નાગરિકોને હાજર રાખી મીટિંગ કરી પ્રજાના ્પ્રશ્નો જાણવામાં આવે છે.જ્યારે પોલીસ પણ સમાજ પાસે શું અપેક્ષા રાખે છે તે કહી શકાય છે.

આ મીટિંગમાં ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહે છે.મીટિીંગમાં થયેલી ચર્ચાના તારણો પોર્ટલ પર અપલોડ કરી તેના પરથી મહત્વના નિર્ણયો લેવામાં આવતા હોય છે.

પોલીસની કાર્યપધ્ધતિ બદલાતાં ક્રાઇમ રેટ ઘટયો,કયા ગુના કેટલા ઓછા થયા

રાજ્યના પોલીસ વડાએ કહ્યું હતંુ કે,પોલીસ પ્રજાની વચ્ચે જઇને અને તેમનો સહયોગ મેળવીને કામ કરી રહી છે.દરેક પોલીસ અધિકારીઓ તેમના તાબા હેઠળના પોલીસ સ્ટેશનની વિઝિટ દરમિયાન ૩ થી ૪ દિવસ નાઇટ  હોલ્ટ કરી સ્થાનિક આગેવાનો સાથે મીટિંગ પણ કરી રહ્યા છે.આ ઉપરાંત સેમિનાર તેમજ અન્ય સામાજિક યોજનાઓને લઇ પોલીસ લોકો વચ્ચે જઇ રહી છે.જેને કારણે જાન્યુઆરી થી ઓગષ્ટ  દરમિયાન વર્ષ-૨૦૨૩ની સરખામણીમાં વર્ષ-૨૦૨૪માં ક્યા ગુનામાં કેટલો ઘટાડો થયો છે તેના આંકડા આ મુજબ છે.

ગુનાનો  પ્રકાર આઠ મહિનામાં કેટલો ઘટાડો

ખૂન ૫૧

ખૂનના પ્રયાસ ૬૪

શરીર સબંધી ગુના ૨૩૧

મિલકત વિરૃધ્ધ ગુના ૪૨૮૭

મહિલા-બાળકો વિરૃધ્ધ કેસો ૩૧૩

પોક્સો ૪૩

લૂંટ-ધાડ ૬૬

એટ્રોસિટી ૩૨


Google NewsGoogle News