ગુજરાતમાંથી નિકાસ કરતા ઉદ્યોગો હવે કન્ટેનરોની અછતથી પરેશાન
વડોદરાઃ દેશની નિકાસમાં લગભગ ૩૩ ટકા હિસ્સો ધરાવતા ગુજરાતના ઉદ્યોગો કન્ટેનર મોકલવા માટેના શિપિંગ ચાર્જમાં થયેલા ભારે વધારાની સાથે સાથે હવે કન્ટેનરોની અછતનો પણ સામનો કરી રહ્યા છે.કન્ટેનરો મળવામાં વિલંબ થતો હોવાના કારણે વિવિધ પ્રોડકટસ અલગ અલગ દેશોમાં પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે.
આયાત નિકાસ કરતા ઉદ્યોગોના વડોદરાના સંગઠન એક્ઝિમ ક્લબે આ બાબતે કેન્દ્ર સરકારના વાણિજય મંત્રાલયને પત્ર લખીને રજૂઆત કરી હોવાનુ પણ જાણવા મળ્યું છે.પત્રમાં કહેવાયું છે કે, ગુજરાતના ઉદ્યોગોને કન્ટેનરો મળી નહીં રહ્યા હોવાથી નિકાસ માટેના ઓર્ડરો પૂરા કરવામાં મુશ્કેલી પડી રહી છે.કારણકે શિપિંગ કંપનીઓ ખાલી કન્ટેનરોને ચીન મોકલવા માટે પ્રાથમિકતા આપી રહી છે.કારણકે ચીનના ઉદ્યોગો પાસે નિકાસના ઓર્ડરો ઘણા વધારે છે.જેના કારણે હવે ગુજરાતના ઉદ્યોગો માટે બહુ કન્ટેનરો મેળવવા માટેના મર્યાદિત વિકલ્પ રહ્યા છે.
એક્ઝિમ ક્લબે પત્રમાં વધુમાં કહ્યું છે કે, ગુજરાતના નિકાસકાર ઉદ્યોગો પર દબાણ વધી રહ્યુ છે.નિકાસ કરવામાં વિલંબ થઈ રહ્યો હોવાથી ઉત્પાદનનું શિડયુલ પણ ખોરવાઈ રહ્યું છે.જેથી વાણિજ્ય મંત્રાલયે ગુજરાત સહિત ભારતના બંદરો પરથી ખાલી કન્ટેનરો પાછા મોકલવામાં ના આવે તે માટે શિપિંગ કંપનીઓને સૂચના આપીને દરમિયાનગીરી કરવાની જરુર છે.
જોકે ઔદ્યોગિક જગતના સૂત્રોનું કહેવું છે કે, આ પત્ર દોઢ મહિના પહેલા લખવામાં આવ્યો હતો પણ સ્થિતિ ઠેરની ઠેર છે.એક અંદાજ પ્રમાણે ગુજરાતના ઉદ્યોગોને દર મહિને ૨૫૦૦૦ કન્ટેનરોની જરુર પડે છે.અત્યારે કન્ટેનરો મેળવવા માટે સરેરાશ ૧૦ થી ૧૫ દિવસ રાહ જોવાનો વારો આવી રહ્યો છે.
રેડ સી કટોકટી તેમજ ચીન અને અમેરિકા વચ્ચેના વેપારી યુધ્ધથી સ્થિતિ બગડી
એક્ઝિમ ક્લબના પ્રમુખ ગુરુશરણ બ્રહ્મભટ્ટનુ કહેવું છે કે, અમેરિકા દ્વારા ચીનમાંથી આયાત કરાતી વસ્તુઓ પર એન્ટી ડમ્પિંગ ડયુટી ઝીંકવાનો નિર્ણય લેવાયો છે.આ નિર્ણય લાગુ થાય તે પહેલા ચીન શક્ય હોય તેટલી વધારે નિકાસ કરવા માંગે છે અને તેના કારણે ચીન મહત્તમ કન્ટેનરો ઉપયોગમાં લઈ રહ્યું છે.ઉપરાંત રશિયા અને યુક્રેન યુધ્ધનુ પરિબળ પણ નડી રહ્યું છે.એ પછી ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના જંગના કારણે રાતા સમુદ્રમાં હૂતી બળવાખોરો દ્વારા વેપારી જહાજો પર હુમલા થવા માંડયા હતા.જેના કારણે મોટાભાગના વેપારી જહાજો હવે કેપ ઓફ ગૂડ હોપનો (દક્ષિણ આફ્રિકા)ના લાંબા રુટ પરથી કન્ટેનરોની હેરફેર કરી રહ્યા છે.જેમાં માલ સામાનને અમેરિકા તેમજ યુરોપ પહોંચતા વધારે સમય લાગી રહ્યો છે.તેના કારણે પણ કન્ટેનરોની અછત સર્જાઈ છે.
૫૦ થી ૬૦ દિવસે કન્ટેનરો પહોંચી રહ્યા છે
કન્ટેનરોની હેરફેર કરતી કંપનીના રાજન નાયર કહે છે કે, યુરોપના દેશો અને અમેરિકામાં પહેલા ૨૦ થી ૩૦ દિવસમાં કન્ટેનર પહોંચતા હતા પણ હવે લાંબો રુટ તેમજ કન્ટેનરો મેળવવા માટે રાહ જોવી પડતી હોવાથી કન્ટેનરોને યુરોપ અને અમેરિકા પહોંચતા ૫૦ થી ૬૦ દિવસનો સમય લાગી રહ્યો છે.
પોર્ટ પર કન્ટેનરોનો ભરાવો, જહાજોનું બૂકિંગ મળવામાં પણ વિલંબ
એક્ઝિમ ક્લબે વાણિજ્ય મંત્રાલયને કરેલી રજૂઆતમાં એવું પણ કહ્યું છે કે, પોર્ટ પર કન્ટેનરોનો ભરાવો પણ થઈ રહ્યો છે અને તેના કારણે જહાજો પર તેને લોડ કરવામાં પણ વિલંબ થઈ રહ્યો છે.કન્ટેનરો મોકલવા માટે જહાજોના બૂકિંગ મેળવવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે.આમ નિકાસ કરતા ઉદ્યોગો માટેની સમસ્યાઓે ઓછી થવાની જગ્યાએ વધી રહી છે.ઉદ્યોગ જગતના વર્તુળોનુ કહેવું છે કે, પહેલા સપ્તાહમાં બે જહાજો ઉપલબ્ધ રહેતા હતા અને હવે ૨૦ દિવસે પણ બે જહાજો માંડ ઉપલબ્ધ થાય છે.
ઉદ્યોગોને બેવડો માર, શિપિંગ ચાર્જ પણ બે વર્ષથી વધી ગયો છે
ફાર્મા ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ભરત દેસાઈનું કહેવું છે કે, ફૂડ પ્રોડકટસ અને દવાઓનો ઓર્ડર ઝડપથી ડિલિવર થાય તે જરુરી હોય છે.એક તો કન્ટેનરો મોકલવાનો શિપિંગ ચાર્જ ૫૦૦ ટકા સુધી વધ્યો છે અને તેમાં કન્ટેનરો મળી રહ્યા નથી એટલે ઉદ્યોગોને બેવડો માર પડી રહ્યો છે.ઘણા ઉદ્યોગો એર કાર્ગોના વિકલ્પ તરફ વળ્યા છે તો હવે તેના ભાડામાં પણ બે થી ત્રણ ગણો વધારો થયો છે.