MSUમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ બાબતે સરકાર કટિબદ્ધ : વિધાનસભા દંડક બાળુ શુક્લ
M S university Vadodara : વડોદરા રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને દંડક બાલકૃષ્ણ શુક્લનું નિવેદન સામે આવ્યું છે. તેમણે સરકાર અને યુનિ.ની કટિબદ્ધતા અંગે વાત કરી છે. આજે સરકારી શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમની શરૂઆત થઇ છે. ત્યારે શિક્ષણ સમિતિની શ્રેષ્ઠ ગણાતી કવિ દુલા કાગ શાળામાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની શરૂઆત કરાવવામાં આવી છે. આ તકે મીડિયા દ્વારા તેમને એમ.એસ.યુનિ.માં સ્થાનિક વિદ્યાર્થીઓના એડમિશન મામલે સવાલ પુછવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેમણે જણાવ્યું કે, સાંસદ ડો.હેમાંગ જોશી અને ધારાસભ્યોએ વી.સી સાથે ચર્ચા કરી હતી અને રાજ્ય સરકારમાં રજુઆત કરી હતી. વડોદરાના બાકી રહેલા વિદ્યાર્થીઓને એમ.એસ.યુનિ.માં એડમિશન મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
સ્થાનિક વિદ્યાર્થીઓને એમ.એસ.યુનિ.માં એડમિશન મળે તે માટે શહેરના શ્રેષ્ઠીઓ રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડને મળ્યા હતા. મુલાકાતમાં તેમણે સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન મળે તે માટેની કટિબદ્ધતા દર્શાવી હતી. ત્યારબાદ આજે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને દંડક બાલકૃષ્ણ શુક્લનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે સરકાર અને યુનિ.ની કટિબદ્ધતા અંગે વાત કરી છે.