રાજ્ય સરકારે ૩ વર્ષમાં ઉદ્યોગોની ૨૮૦૦ કરોડની ઈલેક્ટ્રિસિટી ડયુટી માફ કરી

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
રાજ્ય સરકારે ૩ વર્ષમાં ઉદ્યોગોની ૨૮૦૦ કરોડની ઈલેક્ટ્રિસિટી ડયુટી માફ કરી 1 - image

વડોદરાઃ સામાન્ય માણસના લાઈટ બિલમાં એક તરફ વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ રાજ્ય સરકાર ઉદ્યોગોની ઈલેક્ટ્રિસિટી ડયુટી માફ કરીને તેમને કરોડ રુપિયાનો ફાયદો કરાવી રહી છે.છેલ્લા ત્રણ જ વર્ષમાં સરકારે ઉદ્યોગોની ૨૮૦૦ કરોડ રુપિયાની ઈલેક્ટ્રિસિટી ડયુટી માફ કરી હોવાનો આક્ષેપ  કરીને ઓલ ગુજરાત ઈલેક્ટ્રિસિટી યુઝર્સ એસોસિએશને આજે જિલ્લા કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપ્યુ હતુ.

સંગઠને પોતાની રજૂઆતમાં કહ્યુ હતુ કે, સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ઉદ્યોગોની માફ કરાતી ઈલેક્ટ્રિસિટી ડયુટીમાં ૨૮ ટકાનો વધારો જોવા મળ્યો છે.જેમકે, ૨૦૨૦-૨૧માં સરકારે ૭૮૨ કરોડ રુપિયા, ૨૦૨૧-૨૨માં ૯૨૧ કરોડ રુપિયા અને ૨૦૨૨-૨૩માં ૧૦૦૦ કરોડ રુપિયા ડયુટી માફ કરી છે.જ્યારે સામાન્ય માણસ માટે સરકાર વીજળી મોંઘી કરી રહી છે.ઉદ્યોગોની ડયુટી માફ કરીને સરકાર દ્વારા કરદાતાઓ પરનો બોજો વધારવામાં આવી રહ્યો છે.ઉદ્યોગો આ ડયુટી માફ થયા પછી પણ તેનો લાભ ગ્રાહકોને તો આપતા જ નથી.

સંગઠને માંગ કરી હતી કે, અદાણી પાવર પાસેથી વધારાના ૩૯૦૦ કરોડ રુપિયા વસૂલ કરવામાં આવે.સંગઠનનુ કહેવુ હતુ કે, અદાણી પાવરે આયાતી કોલસાના ખરીદ કરારની શરતોનુ સરેઆમ ઉલ્લંઘન કર્યુ છે.આંતરરાષ્ટ્રીય સંસ્થા argus  દ્વારા નક્કી થયેલા રેટ કરતા અદાણી દ્વારા જીયુવીએનએલ પાસેથી ૩૯૦૦ કરોડ રુપિયા વધારે વસૂલ કરવામાં આવ્યા છે અને જીયુવીએનએલ દ્વારા પત્ર લખીને આ રકમ પાછી આપવા માટે પણ માંગ કરવામાં આવી છે.આજ સુધી અદાણી પાવર દ્વારા વધારાના પૈસા પરત કર્યા નથી.

બે મહિનાનું બિલ આપીને ગ્રાહકોની ઉઘાડી લૂંટ ચલાવાય છે

ઓલ ગુજરાત ઈલેક્ટ્રિસિટી યુઝર્સ એસોસિએશને પોતાની રજૂઆતમાં આજે ફરી એક વખત મહત્વનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.સંગઠનનુ કહેવુ હતુ કે, વીજ વપરાશ માટેના અલગ અલગ સ્લેબ દૂર કરવાની જરુર છે.અત્યારે ગ્રાહકોને બે મહિનાનુ વીજ બિલ આપવામાં આવે છે.અલગ અલગ સ્લેબ સિસ્ટમ અને બે મહિનાના બિલિંગના કારણે ગ્રાહકે વધારે વીજ બિલ ચુકવવાનો વારો આવી  રહ્યો છે.બીપીએલ ગ્રાહકોને તો બે મહિનાની બિલિંગ સાયકલના કારણે ત્રણ ગણા વધારે પૈસા ચૂકવવા પડી રહ્યા છે.માટે બિલિંગ સાયકલ બે મહિનાની જગ્યાએ એક મહિનાની કરવામાં આવે અને ગ્રાહકોની ઉઘાડી લૂંટ પર રોક લગાવવામાં આવે.

સંગઠન દ્વારા આ પહેલા પણ આ મુદ્દે બે મહિના અગાઉ જીયુવીએનએલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

સંગઠને અન્ય કઈ રજૂઆતો કરી

દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ ૩૦૦ યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે

સામાન્ય માણસ માટે વીજળીના દરો ઘટાડવામાં આવે

ખેડૂત વિરોધી અને લોકો વિરોધી ઈલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ લાગુ કરવામાં ના આવે

વીજ સેક્ટરના ખાનગીકરણ પર રોક લગાવવામાં આવે

સરકારની વીજ કંપનીઓ ૧૦૦ ટકા ક્ષમતાથી વીજ ઉત્પાદન કરે તેના પર ધ્યાન આપવામાં આવે

અદાણી કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવે

ઘરવપરાશના જોડાણો માટે સ્લેબ સિસ્ટમ દૂર કરવામાં આવે



Google NewsGoogle News