MSUમાં ૫૭ કરોડના ખર્ચે ૧૧ માળની ગર્લ્સ હોસ્ટેલ બનાવવા માટે સરકારની લીલી ઝંડી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં બહારગામના વિદ્યાર્થીઓની સંખ્યા વધી હોવાથી હવે હોસ્ટેલ કેમ્પસમાં વિદ્યાર્થીઓના રહેવા માટેની જગ્યા ઓછી પડી રહી છે.યુનિવર્સિટી સત્તાધીશોએ હોસ્ટેલમાં નવા બિલ્ડિંગ બનાવવા માટે છેલ્લા કેટલાક સમયથી કવાયત શરુ કરી છે.
મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટીમાં ૧૧ માળની ગર્લ્સ હોસ્ટેલ બનાવવા માટેની યોજનાને સરકારે લીલી ઝંડી આપી દીધી છે.આ હોસ્ટેલ બનાવવા માટે સરકાર સમક્ષ યુનિવર્સિટી સત્તાધીશોએ ગત વર્ષે પ્રસ્તાવ મુકયો હતો અને તેને સરકારે મંજૂરી આપી છે.આ માટે સરકાર ૫૭ કરોડ રુપિયાની ગ્રાંટ આપશે.જેનો પહેલો હપ્તો ગત મહિને જ યુનિવર્સિટીને મળી ગયો છે.
સૂત્રોનુ કહેવુ છે કે, ગર્લ્સ હોસ્ટેલમાં કેજી હોલ અને એસડી હોલ વચ્ચેના ખુલ્લા પ્લોટમાં આ હોસ્ટેલ બનાવવામાં આવશે.ચૂંટણીની આચાર સંહિતા પૂરી થયા બાદ તેની સ્ટ્રક્ચર ડિઝાઈન તૈયાર કરવામાં આવશે.આર્કિટેક્ટ નક્કી થશે અને એ પછી બાંધકામ માટે ટેન્ડર મંગાવવાની પ્રક્રિયા હાથ ધરાશે.આ વર્ષના અંત સુધીમાં હોસ્ટેલનુ બાંધકામ શરુ થઈ જાય તેવી શકયતા છે.યુનિવર્સિટીની આ સૌથી ઉંચી બહુમાળી ઈમારત હશે. ૧૧ માળની ઈમારતમાં ૧૧૪ જેટલા રુમો હશે.જેમાં ૪૦૦ કરતા વધારે વિદ્યાર્થિનીઓ રહી શકશે.આ સીવાય પણ તેમાં બીજી સુવિધાઓ હશે.
સૂત્રોનુ કહેવુ છે કે, કોરોનાકાળ બાદ યુનિવર્સિટીને સરકારે પહેલી વખત આટલા મોટા પ્રોજેકટ માટે ગ્રાંટ આપવાનુ નક્કી કર્યુ છે.આ પહેલા યુનિવર્સિટીને સરકારે પોલીટેકનિકની નવી ઈમારત માટે અત્યાર સુધીમાં ૧૨ કરોડ રુપિયાની સહાય પૂરી પાડેલી છે.૨૭ કરોડના ખર્ચે બની રહેલા પાંચ માળની ઈમારતના પહેલા ફ્લોરનુ બાંધકામ પૂરુ થઈ ગયુ છે.યુનિવર્સિટી હવે સરકાર તરફથી આ ઈમારતના નિર્માણ માટે બીજા હપ્તાની રાહ જોઈ રહી છે.
બોયઝ હોસ્ટેલમાં પણ ૧૪૪ કરોડના ખર્ચે બે બિલ્ડિંગ બનાવવાનો પ્રસ્તાવ
સૂત્રોનુ કહેવુ છે કે, બોયઝ હોસ્ટેલમાં પણ અત્યારે જગ્યાની સમસ્યા છે.હોસ્ટેલમાં પ્રવેશ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે હોય છે અને તમામને પ્રવેશ નથી આપી શકાતો.તેના કારણે ઘણા વિદ્યાર્થીઓને પીજી તરીકે રહેવુ પડે છે.યુનિવર્સિટી સત્તાધીશોએ બોયઝ હોસ્ટેલ કેમ્પસમાં પણ ૧૧-૧૧ માળની બે હોસ્ટેલ બનાવવા માટે સરકાર સમક્ષ પ્રસ્તાવ મુકયો છે.આ દરેક હોસ્ટેલ માટે ૭૨ કરોડ રુપિયાના ખર્ચનો અંદાજ છે.જોકે સરકારે ગર્લ્સ હોસ્ટેલને મંજૂરી આપી છે પણ હજી બે બોયઝ હોસ્ટેલની ઈમારતો માટે સરકારે ગ્રાંટ આપવાનુ સ્વીકાર્યુ નથી.શક્ય છે કે, આગામી નાણાકીય વર્ષમાં આ બંને ઈમારતોના બાંધકામ માટે સરકાર નાણાકીય જોગવાઈ કરશે.
વોટર હાર્વેસ્ટિંગ સાથે ગ્રીન બિલ્ડિંગ બનાવાશે
ગર્લ્સ હોસ્ટેલનુ નવુ બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ હશે.જેમાં વોટર હાર્વેસ્ટિંગ કરાશે તથા સોલાર પેનલો પણ લગાવવામાં આવશે.ઓછામાં ઓછી એનર્જીનો ઉપયોગ કરવો પડે તે રીતે તેનુ બાંધકામ કરવામાં આવશે.બાંધકામમાં પણ કાર્બન ફૂટપ્રિન્ટ ઓછી હોય તેવા મટિરિયલનો ઉપયોગ કરવામાં આવશે.
નવા બિલ્ડિંગમાં સુવિધાઓ
-બેઝમેન્ટમાં ૫૦ વાહનોનુ પાર્કિંગ
-વોર્ડનનુ રહેઠાંણ
-મુલાકાતીઓ માટે અલાયદો વિભાગ
-જમવા માટે મેસ
-વિદ્યાર્થિનીઓ માટે કોમન રુમ
-જિમ્નેશિયમ