સરકારે દોઢ વર્ષ પછી વડોદરામાં કાયમી ડીઈઓની નિમણૂક કરી
વડોદરાઃ વડોદરામાં આખરે સરકારે દોઢ વર્ષ પછી કાયમી ડીઈઓની નિમણૂંક કરી છે.મળતી વિગતો પ્રમાણે આજે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ૨૪ જિલ્લા શિક્ષણાધિકારી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની બદલીઓ કરવામાં આવી છે.
જેમાં વડોદરા ડીઈઓ તરીકે અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસની નિમણૂંક કરવામાં આવી છે.જ્યારે વડોદરાના ઈન્ચાર્જ ડીઈઓ તેમજ ભરુચના કાયમી ડીઈઓ તરીકે ફરજ બજાવતા નવનીત મહેતાની બદલી વલસાડના ડીઈઓ તરીકે કરવામાં આવી છે.
નવનીત મહેતા પાસે છેલ્લા દોઢ વર્ષથી વડોદરાના ડીઈઓનો ચાર્જ હતો.બીજી તરફ શૈક્ષણિક આલમમાં પણ અવાર નવાર માંગ ઉઠતી હતી કે, વડોદરામાં કાયમી ડીઈઓની નિમણૂંક થવી જોઈએ.દરમિયાન સરકારે ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા શરુ કરેલા બદલીઓના દોરમાં આખરે વડોદરામાં કાયમી ડીઈઓની નિમણૂંક કરી છે.
જ્યારે વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચના ચૌધરીની બદલી અરવલ્લી જિલ્લામાં કરવામાં આવી છે.જોકે તેમની જગ્યા પર અન્ય કોઈની નિમણૂંકની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી નથી.