સામૂહિક ચોરીના મામલામાં ચૂંટણીની આચાર સંહિતાના કારણે બોર્ડની કાર્યવાહી અટકી
વડોદરાઃ ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષા દરમિયાન વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના આનંદી ગામની બી એલ પટેલ શારદા વિનય મંદિર સ્કૂલમાં થયેલી સામૂહિક ચોરીના પ્રકરણમાં ડીઈઓ કચેરી દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને તપાસનો અહેવાલ સુપરત રકી દેવાયો છે પણ આ મામલામાં ચૂંટણીની આચાર સંહિતાના કારણે આગળની કાર્યવાહી અટકી ગઈ હોવાનુ જાણવા મળ્યુ છે.
બોર્ડની કામગીરી સાથે સંકળાયેલા સૂત્રોના કહેવા પ્રમાણે સામૂહિક ચોરી પ્રકરણમાં બોર્ડની પરીક્ષા સમિતિ આગળનો નિર્ણય લેશે.જેમાં ચોરી પ્રકરણમાં સંડોવાયેલા મનાતા કર્મચારીઓ સામે કાર્યવાહી તેમજ ચોરી કરનારા વિદ્યાર્થીઓ સામેની કાર્યવાહીનો પણ સમાવેશ થાય છે.જોકે બોર્ડ દ્વારા પરીક્ષા સમિતિની બેઠક બોલાવવામાં આવે તે પહેલા ચૂંટણની આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે.જોકે બોર્ડ પરીક્ષામાં આખા રાજ્યમાંથી ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓને સજા સહિતના નિર્ણયો પરીક્ષા સમિતિએ લેવાના હોવાથી તેની બેઠક બોલાવવા માટે બોર્ડ સત્તાધીશોએ ચૂંટણી પંચની મંજૂરી માંગી છે.
પરીક્ષા સમિતિની બેઠકમાં સામૂહિક ચોરી પ્રકરણના સીસીટીવીની ચકાસણી થશે અને તેના આધારે વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી થશે.બોર્ડના સૂત્રોનુ કહેવુ છે કે, આ પ્રકરણમાં નિર્દોષ વિદ્યાર્થીઓ પર કોઈ કાર્યવાહી ના થાય તેનુ ધ્યાન રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, સામૂહિક ચોરીની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ડીઈઓ કચેરી દ્વારા સ્કૂલના આચાર્ય અને કેન્દ્ર સંચાલકને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત પરીક્ષામાં ફરજ બજાવતા ૨૦ જેટલા કર્મચારીઓના પણ નિવેદન લેવામાં આવ્યા છે.ડીઈઓ કચેરીનુ કહેવુ હતુ કે, આગળની કાર્યવાહી બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવશે.