જીએસટી ભર્યો હોવા છતાં ૬ વર્ષ બાદ નોટિસ આપવામાં આવી

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
જીએસટી ભર્યો હોવા છતાં ૬ વર્ષ બાદ નોટિસ આપવામાં આવી 1 - image

વડોદરાઃ રાજ્ય અને કેન્દ્રના જીએસટી( ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)વિભાગ દ્વારા હજારોની સંખ્યામાં આડેધડ નોટિસો પાઠવવામાં આવી રહી છે.આજે વીસીસીઆઈ દ્વારા ઉદ્યોગ સંગઠનોની સમસ્યાઓને વાચા આપવા માટે યોજાયેલા કાર્યક્રમમાં પણ એક ઉદ્યોગપતિએ જીએસટી વિભાગ દ્વારા થઈ રહેલી હેરાનગતિનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

મકરપુરામાં ફેક્ટરી ધરાવતા  ઉદય ચોકસીએ રજૂઆત કરતા કહ્યુ હતુ કે, ૨૦૧૭-૧૮માં જીએસટીનો કાયદો લાગુ કરવામાં આવ્યો ત્યારે તેની વેબસાઈટમાં ધાંધિયા હતા.સ્ટેટ જીએસટી અને સેન્ટ્રલ જીએસટી એમ અલગ અલગ રકમ ભરવામાં તકલીફ પડતી હતી.તે વખતે મેં ૩૨ લાખ રુપિયા જીએસટી ભર્યો હતો અને આ રકમ સ્ટેટ જીએસટીમાં જમા થઈ હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.મારા એકાઉન્ટ ઓડિટ થઈ ગયા છે અને તે એપ્રૂવ પણ થઈ ગયા છે ત્યારે ૬ વર્ષ બાદ મને ૨૦૧૭-૧૮નો જીએસટી ભરવા માટે છેલ્લા ત્રણ થી ચાર મહિનામાં ઉપરા છાપરી નોટિસો મળી છે.તેમણે કહ્યુ હતુ કે, જીએસટીની નોટિસોનો જવાબ આપતા આપતા થાકી ગયો છું.ચાર મહિનાથી જીએસટી ઓફિસમાં રજૂઆત કરી રહ્યો છું પણ દર વખતે આજે સાહેબ  નથી આવ્યા, કાલે આવજો..સાહેબ ગાંધીનગર મિટિંગમાં ગયા છે તેવા જવાબો મળે છે અને હું ધક્કા ખાઈને પાછો આવુ છું.જીએસટીની ફોર્મ્યુલા સમજવી સામાન્ય માણસનુ કામ નથી.



Google NewsGoogle News