૧૭મી જીસેટ પરીક્ષાનું ૭.૪૨ ટકા પરિણામ જાહેર, ૨૬૧૯ ઉેમેદવારો પાસ
વડોદરાઃ યુનિવર્સિટીઓમાં અધ્યાપક બનવા માટે નેટ પરીક્ષાના વિકલ્પ તરીકે ઉમેદવારો જીસેટ પરીક્ષા (ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ) આપી શકે છે.આ પરીક્ષા લેવા માટે રાજ્ય સરકારે એમ.એસ.યુનિવર્સિટીને જવાબદારી સોંપી છે.
તાજેતરમાં ૧૭મી જીસેટ પરીક્ષા લેવાઈ હતી.જેનુ પરિણામ આજે જાહેર થયુ છે.વડોદરા સહિત રાજ્યના વિવિધ કેન્દ્રો પરથી પરીક્ષા આપનારા ૩૫૨૮૬ ઉમેદવારો પૈકી ૨૬૧૯ ઉમેદવારો પાસ થયા છે.આમ જીસેટ પરીક્ષાનુ ૭.૪૨ ટકા પરિણામ જાહેર થયુ છે.
જીસેટ પરીક્ષા માટેના સેન્ટરન મેમ્બર સેક્રેટરી પ્રો.સી એન મૂર્થિનુ કહેવુ છે કે, આ વર્ષે જીસેટ પરીક્ષામાં એન્વાર્યમેન્ટલ સાયન્સ, ફોરેન્સિક સાયન્સ, હિન્દુ સ્ટડીઝ, ઈન્ડિયન નોલેજ સિસ્ટમ, મ્યુઝિક, પરફોર્મિંગ આર્ટસ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને વિઝ્યુઅલ આર્ટ એમ નવા આઠ પેપરને સામેલ કરવામાં આવ્યા હતા.આમ કુલ મળીને આ વખતે ૩૫ વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી.
તેમના જણાવ્યા અનુસાર સૌથી વધારે ૪૦૩ ઉમેદવારો કોમર્સ વિષયમાં પાસ થયા છે.જ્યારે કેમિકલ સાયન્સના ૩૨૭ ઉમેદવારો, એજ્યુકેશનને લગતા પેપરના ૨૩૧ ઉમેદવારો, લાઈફ સાયન્સના ૧૯૯ ઉમેદવારો, ગુજરાતીના ૧૭૭ ઉમેદવારો અને અંગ્રેજીના ૧૬૯ ઉમેદવારો આ પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યા છે.ગુજરાતમાં કુલ ૧૧ સેન્ટરો પર આ પરીક્ષા લેવામાં આવી હતી.
ગત વર્ષે ૨૧૭૭ ઉમેદવારો આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા અને ૧૬મી જીસેટ પરીક્ષાનુ પરિણામ ૭.૨૪ ટકા આવ્યુ હતુ.