વિદ્યાર્થીઓની ગ્રીન આર્મીએ ઉજજડ જમીનને પિરામિડ આકારના ગાર્ડનમાં ફેરવવાનું બીડું ઝડપ્યું
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના બોટની વિભાગના વિદ્યાર્થીઓએ પોતે જે ભણી રહ્યા છે તેનો અમલ પણ કરી બતાવ્યો છે.બોટની વિભાગના વિદ્યાર્થીઓની બનેલી ગ્રીન આર્મીએ અત્યાર સુધીમાં ૩૦૦૦ જેટલા વૃક્ષોનું પ્લાન્ટેશન કર્યું છે અને અત્યારે ૨૦૦૦ ચોરસ ફૂટ જેટલી ઉજજડ જગ્યામાં પિરામિડ આકારનો ગાર્ડન બનાવવા માટે મહેનત કરી રહ્યા છે.
બોટની વિભાગમાં ગ્રીન આર્મીની સ્થાપના વિભાગના વરિષ્ઠ અધ્યાપક ડો.પી એસ નાગરે રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાના સૂચન બાદ ૨૦૧૯માં કરી હતી.આ પ્રસ્તાવને ફેકલ્ટી ડીન પ્રો.કટારિયાએ પણ લીલી ઝંડી આપી હતી.એ પછી કોરોનાનો સમય હોવાથી ગ્રીન આર્મીની પ્રવૃત્તિ પર બ્રેક વાગી ગઈ હતી.આમ છતા ગ્રીન આર્મીમાં સામેલ વિદ્યાર્થીઓએ કોરોના કાળમાં ગીલોયના એક લાખ રોપોના ઉછેર કર્યો હતો અને લોકોમાં તેનું વિતરણ કર્યું હતું.
અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના બોટનિકલ ગાર્ડનની બહારના ઢોળાવ પર અને ભૂખી કાંસની આસપાસ ૩૦૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે અને તેની સંભાળ પણ રાખી રહ્યા છે.ગ્રીન આર્મીમાં અત્યારે ૪૦ જેટલા વિદ્યાર્થીઓ સભ્ય છે.તેના લીડર તરીકે કામ કરી રહેલો વિદ્યાર્થી મિહિર મોડાસિયા કહે છે કે, યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસની પાછળ આવેલા બોટનીના આર્બોરેટમ( બોટનીના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે બનાવાયેલો ગાર્ડન)ની બહાર ૨૦૦૦ સ્કવેર ફૂટ જેટલી ઉજ્જડ જગ્યા હતી.આ જગ્યાનો કોઈ ઉપયોગ થતો નહોતો એટલે અમે તેને ગાર્ડનમાં ફેરવી નાંખવાનુ નક્કી કર્યુ હતુ.
તેના કહેવા પ્રમાણે અત્યારે ગાર્ડનમાં ૪૦ જેટલી પ્રજાતિઓના ૪૦૦ જેટલા વૃક્ષો પ્લાન્ટ કરવામાં આવ્યા છે.ગ્રીન આર્મીના દરેક સભ્યે ૨૦ થી ૨૫ વૃક્ષોનુ જતન કરવાની જવાબદારી ઉપાડી લીધી છે.આ તમામ વિદ્યાર્થીઓના નામ સાથેના ટેગ વૃક્ષો પર લગાડવામાં આવ્યા છે.આ ગાર્ડનને સુંડાકાર વન એટલે કે પિરામિડ ગાર્ડન નામ આપ્યુ છે.વૃક્ષો જ્યારે મોટા થશે ત્યારે આ ગાર્ડનને ઉપરથી જોવામાં આવશે તો તેનો આકાર પિરામિડ જેવો લાગશે.આ માટે ગાર્ડનની વચ્ચે મોટા કદના અને તેની આસપાસ ઓછી ઉંચાઈવાળા વૃક્ષોનુ પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે.