પતિ સાથે ઝઘડા બાદ ઘેરથી નીકળેલી પરિણીતા પર GRD જવાનનું દુષ્કર્મ
તું દેહવેપાર કરે છે તેમ કહી ધમકી આપી ઃ મંજુસર પોલીસ સ્ટેશનના GRD જવાનની અટકાયત
સાવલી તા.૨૬ પતિ સાથે ઝઘડો થયા બાદ મોડી રાત્રે સહેલીના ઘેર એકલી જવા નીકળેલી બે સંતાનોની માતાને મંજુસર સાવલી રોડ પર લામડાપુરા ગામના બસ સ્ટેન્ડ પર આંતરી એક જીઆરડી જવાને બળાત્કાર ગુજાર્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે વડોદરા નજીક આવેલા એક ગામમાં રહેતી ૩૫ વર્ષની પરિણીતા બે સંતાનોની માતા છે. તા.૧૯ના રોજ રાત્રે પતિ સાથે ઝઘડો થતાં તે ઘેરથી નીકળી કાલોલ ખાતે રહેતી તેની બહેનપણીના ઘેર જતી હતી. રિક્ષામાં બેસી મંજુસર બસ સ્ટેન્ડ સુધી આવી હતી અને મોડી રાત્રે કોઈ વાહન ના મળતાં ચાલતા ચાલતા સાવલી તરફ જતી હતી.
આ વખતે રોંગ સાઈડ ઉપર બાઈક પર બે જણા આવ્યા અને ત્યાંથી પરત આવી લામડાપુરા બસ સ્ટેન્ડ પર વડના ઝાડ નીચે ઊભા રહ્યા હતાં. પરિણીતાને ચાલતા જતી જોતા બંનેએ તેને રોકી હતી અને એક શખ્સે ખાખી પેન્ટ અને જેકેટ પહેર્યું હતું જ્યારે બીજાએ ખાખી પેન્ટ અને ખાખી શર્ટ પહેર્યો હતો. બંનેએ પરિણિતાને ઉભી રાખી તું અડધી રાત્રે ક્યાં જાય છે તેમ પૂછતા પરિણીતાએ મારે પતિ સાથે ઝઘડો થયો છે જેથી સાવલીથી કાલોલ બહેનપણીને ત્યાં જવું છું તેમ કહ્યું હતું.
બે પૈકી એક બટકો અને જાડિયા શખ્સે જેને જેકેટ પહેર્યું હતું તેને તું મારી સાથે આવ મારે તારી પૂછપરછ કરવી પડશે તેમ કહી દુકાનની પાછળ લઈ ગયો હતો જ્યારે બીજો શખ્સ થોડે દૂર મોબાઈલ જોતો હતો. દુકાનની પાછળ લઈ ગયેલા શખ્સે પરિણીતાનું નામ સરનામું પૂછયું અને દેહવ્યાપારનો ધંધો કરે છે તે તું જ છે ને તેમ કહી ખાટલામાં દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં ચલ ફટાફટ અહીંથી જતી રહે તેમ કહીને તેઓ બંને જતા રહ્યા હતાં.
દુષ્કર્મ બાદ પરિણીતા બહેનપણીને ત્યાં કાલોલ ગઈ હતી અને બે દિવસ રહી ઘેર પરત ફરી ત્યારે પતિએ હિંમત આપતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના પગલે પોલીસે બળાત્કાર ગુજારનાર મંજુસર પોલીસ સ્ટેશનના જીઆરડી જવાન સોહિલ ચંદુભાઇ ચૌહાણ (રહે.ટુંડાવ)ની ઓળખ કરી તેની અટકાયત કરી છે. તેનો લામડાપુરા પોઇન્ટ હતો તેમ જાણવા મળ્યું છે.