નારેશ્વરમાં 127 મી રંગજયંતિની ભવ્ય ઉજવણીઃ 127 મણ ચોખાનું દાનઃઅનેક નગરોના સંઘોનું આગમન
વડોદરાઃ નારેશ્વરના સંત પૂ.રંગ અવધૂત મહારાજની આવતીકાલે તા.૧૦મીએ ૧૨૭ રંગ જયંતિની નારેશ્વર સહિતના દત્ત મંદિરો અને રંગ મંદિરોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં નર્મદા નદીના કિનારે આવેલા યાત્રાધામ નારેશ્વર ખાતે પ.પૂ.રંગ અવધૂત મહારાજે સેવાની ધૂણી ધખાવી હતી.આવતી કાલે તેમની ૧૨૭ મી જન્મ જયંતિ હોવાથી ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે.આ માટે નાસિક તેમજ રાજ્યના નગરોમાંથી ૪૦ થી ૫૦ જેટલા પગપાળા સંઘોનું નારેશ્વરમાં આગમન થયું છે.
મંદિરના અગ્રણી યોગેશભાઇ વ્યાસે કહ્યું છે કે,આવતીકાલે રંગ જયંતિ નિમિત્તે નારેશ્વરમાં પરંપરા મુજબ ૧૨૭ મણ ચોખાનું વિતરણ કરવામાં આવશે.સવારે ૫.૩૦ વાગે મંગળા,૬ વાગે વેદઘોષ,૯ વાગે પાદુકા પૂજન ગૌપૂજા અને બપોર બાદ બાપજીના સ્વરૃપ સાથે પાલખી યાત્રા કાઢવામાં આવશે.ત્યાર પછી આચાર્ય સર્વદમનજીનું વ્યાખ્યાન અનને રાતે ભજન જેવા કાર્યક્રમો થશે.ભક્તો માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવીછે.
ભૂતડીઝાંપાના રંગ મંદિરે અન્નકૂટ, પાલખી જેવા કાર્યક્રમો
ભૂતડીઝાંપા સામે કારેલીબાગ પોલીસ સ્ટેશન પાછળ પોલીસ લાઇનમાં આવેલા શ્રી રંગ અવધૂત મંદિરે તા.૧૦મીએ ૧૨૭મી રંગ જયંતિ નિમિત્તે સવારે ૬ વાગે મંગળા આરતી,૬.૩૦ વાગે પ્રભાત ફેરી,બપોરે ૧૨ વાગે અન્નકૂટ દર્શન- દત્તબાવની આરતી,સાંજે ૪.૩૦ વાગે શ્રી વરુણ પાઠક જન્મોત્સવ કિર્તન પ્રસ્તુત કરશે.દત્તબાવની આરતી પછી પાલખી નીકળશે.