૧૨ લાખની લોન મંજૂર કરાવવાના બહાને ૬૨ હજાર પડાવી લીધા
અગાઉ અરજી કરી ત્યારે પૈસા આપી દેવાનું કહ્યા પછી પણ રૃપિયા પરત ના કર્યા
વડોદરા૧૨ લાખની લોન અપાવવાનું કહી૬૨ હજાર પડાવી લઇ ભેજાબાજે છેતરપિંડી કરી હતી. જે અંગે સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અકોટા પોલીસ લાઇનની સામે માળી મહોલ્લામાં રહેતો માધવ પ્રકાશરાવ સીંધે અલકાપુરી સર્કિટ હાઉસમાં રૃમ બોય તરીકે છેલ્લા ૧૦ વર્ષથી નોકરી કરે છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા જીજાજી સાગરભાઇ ચુનારા ( રહે. બરાનપુરા) ને ઘરનું કામ કરાવવાનું હોઇ ઘર રિપેર કરવા માટે પૈસાની જરૃર હતી. જેથી, લોન કરવા જણાવ્યું હતું. સર્કિટ હાઉસમાં અવાર - નવાર આવતા હેમંત પંચાલને લોન કરી આપવા માટે જણાવ્યું હતું. તેમના કહેવાથી મેં ઘરના દસ્તાવેજની નકલ, પાન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ત્રણ કોરા ચેક, પાસપોર્ટ સાઇઝના ફોટા આપ્યા હતા. ત્યારબાદ હેમંત પંચાલે મને કોલ કરીને કહ્યું કે, તમારા બનેવીનો સિબિલ સ્કોર ઓછો છે. તમારે રેફરન્સમાં રહેવું પડશે. જેથી, મેં મારા ડોક્યુમેન્ટ્સ મોકલ્યા હતા. મારા બનેવીને ૧૨ લાખની લોન જોઇતી હોય તે મંજૂર કરાવવા માટે ૬૨,૫૦૦ રૃપિયા આપ્યા હતા. આ અંગે અમે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. હેમંતે કહ્યું હતું કે, હું બીમાર છું. થોડા સમયમાં તમારા પૈસા આપી દઇશ. જેથી, મેં અરજી પરત લઇ લીધી હતી. પરંતુ, તેણે રૃપિયા પરત આપ્યા નહતા.