Get The App

આગના કારણે પ્રદૂષણ બદલ ગુજરાત રિફાઈનરી પાસે જીપીસીબીએ એક કરોડનું વળતર માગ્યું

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
આગના કારણે  પ્રદૂષણ બદલ  ગુજરાત રિફાઈનરી પાસે જીપીસીબીએ એક કરોડનું વળતર માગ્યું 1 - image

વડોદરાઃ વડોદરા ખાતેની ગુજરાત રિફાઈનરીની બેન્ઝિન સ્ટોર કરવાની ટેન્કમાં તા.૧૧ નવેમ્બરે લાગેલી ભીષણ આગે વડોદરાના લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા.આ ઘટનામાં હવે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા રિફાઈનરીને  હવામાં ફેલાયેલા પ્રદૂષણ બદલ ૧ કરોડ રુપિયાનુ વળતર ચૂકવવા માટે નોટિસ ફટકારી છે.

સાથે સાથે ભવિષ્યમાં આવી ઘટના ના બને તેની  તકેદારી રાખવા  માટે પાંચ લાખ રુપિયાની બેન્ક ગેરંટી પણ માગી છે.

મળતી વિગતો પ્રમાણે રિફાઈનરીની બેન્ઝિન ટેન્કની ભીષણ આગ ૧૦ કલાકના પ્રયાસો બાદ મહામહેનતે કાબૂમાં આવી હતી.આ હોનારતમાં કોન્ટ્રાકટ પરના બે કર્મચારીઓએ જીવ પણ ગુમાવ્યા હતા.બીજી તરફ હવામાં આગના ધૂમાડાના કારણે ભારે પ્રદૂષણ પણ ફેલાયું હતું.

જીપીસીબીના સૂત્રોના કહેવા પ્રમાણે આગના દિવસે રિફાઈનરીથી એક કિલોમીટર દૂર જ્યારે હવામાં પ્રદૂષણની માત્રાની ચકાસણી કરવામાં આવી ત્યારે એર ક્વોલિટી ઈન્ડેકસ ૧૪૯ નોંધાયો હતો.જે નિર્ધારિત ૧૦૦ની માત્રા કરતા વધારે હતો.જેના પગલે રિફાઈનરીને ૧ કરોડનું વળતર ચૂકવવા નોટિસ આપવામાં આવી છે.જેની સામે અપીલમાં જવાનો રિફાઈનરી પાસે વિકલ્પ પણ નથી.

ઉલ્લેખનીય છે કે, આગની ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ રિફાઈનરીના સત્તાધીશોએ બનાવી છે.૧૦ દિવસ બાદ પણ રિફાઈનરી દ્વારા આગ લાગવા પાછળનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી.

જીપીસીબી અકસ્માત સર્જાય તેની રાહ જુએ છે?

છાશવારે પ્રદૂષણ ફેલાવતા કેમિકલ ઉદ્યોગો સામે કાર્યવાહી નથી થતી 

વડોદરાથી અંકલેશ્વર વચ્ચે હજારો કેમિકલ ઉદ્યોગો આવેલા છે.વડોદરાની નંદેસરી જીઆઈડીસીમાં તો મોટાભાગના કેમિકલ ઉદ્યોગો છે.છાશવારે આમાંની કોઈને કોઈ ઈન્ડસ્ટ્રી પ્રદૂષણ ફેલાવતી હોવાની ઘટના સામે આવે છે.ઘણા ઉદ્યોગો તો કેમિકલ યુકત પાણી સીધું નદી નાળામાં જ છોડી દેતા હોય છે.આવા ઉદ્યોગો સામે જીપીસીબી દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી.હવે જ્યારે રિફાઈનરીને એક કરોડનું વળતર ચૂકવવા માટે જીપીસીબીએ નોટિસ આપી છે ત્યારે એવો પણ સવાલ પૂછાઈ રહ્યો છે કે, શું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઔદ્યોગિક હોનારત સર્જાય તેની રાહ જોઈને બેઠું હતું? છાશવારે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોની સામે કેમ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી?



Google NewsGoogle News