ગોવિંદરાવ પાર્ક સોસાયટીમાં ચાલતા કૂટણખાના પર દરોડો
બે કોલગર્લ, એક ગ્રાહક અને બે સંચાલક ઝડપાયા
વડોદરા,પાણીગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે ગોવિંદરાવ પાર્ક સોસાયટીમાં ચાલતા કૂટણખાના પર પાણીગેટ પોલીસે રેડ પાડીને કૂટણખાનુ ચલાવતા સિનિયર સિટિઝન અને એક મહિલા દલાલને ઝડપી પાડી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મકાનમાંથી બે કોલગર્લ તથા ૭૦ વર્ષના એક ગ્રાહક પણ મળી આવ્યા હતા.
પોલીસને માહિતી મળી હતી કે, મેમણ કોલોનીની સામે ગોવિંદરાવ પાર્કમાં રહેતા અશ્વિન ભાવસાર કૂટણખાનુ ચલાવે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે તપાસ કરી હતી. બાતમીવાળા મકાનમાં જતા મકાનનો આગળનો દરવાજો બંધ હતો. પાછળ જઇને દરવાજો ખખડાવતા એક શખ્સે દરવાજો ખોલ્યો હતો. તેણે પોતાનું નામ અશ્વિનકુમાર વસંતલાલ ભાવસાર, ઉ.વ.૬૫ ( રહે. ગોવિંદરાવ પાર્ક, આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે) હોવાનું જણાવ્યું હતું. મકાનમાં હાજર સ્ત્રી પુરૃષ અંગે પૂછતા તેણે શરૃઆતમાં જણાવ્યું હતું કે, કામવાળી બાઇ તથા તેનો મિત્ર છે. પોલીસે કૂટણખાનાની રેડ અંગે જણાવી તપાસ કરતા સુરત તથા વડોદરાની બે કોલ ગર્લ મળી આવી હતી.
પોલીસે મુમતાઝબીબી ઉર્ફે સીમાબેન મુનીરમીંયા શેખ (રહે. વુડાના મકાનમાં, સોમા તળાવ, ડભોઇ રોડ) ની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, હું અને અશ્વિનભાઇ એક ગ્રાહક દીઢ ૧,૨૦૦ થી ૧,૭૦૦ રૃપિયા લેતા હતા. અમારૃં કમિશન કાઢી બાકીના રૃપિયા કોલગર્લને આપી દેતા હતા.
પોલીસને મકાનમાંથી ૭૦ વર્ષના સિનિયર સિટિઝન પણ હાજર મળી આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અશ્વિનભાઇ ભાવસારની ત્યાં ચાલતા કૂટણખાનામાં શરીર સુખ માણવા આવ્યો હતો. પાણીગેટ પોલીસે અશ્વિનભાઇ ભાવસાર તથા મુમતાઝબીબી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.