વડોદરા જિલ્લાની સાકરદા ગામની સરકારી સ્કૂલે પૂરવાર કર્યુ કે, ખાનગી સ્કૂલોને પણ ટક્કર આપી શકાય છે
Vadodara Education : સરકારી શાળાઓમાં માળખાગત સુવિધાઓ હોય અને સારું શિક્ષણ અપાતુ હોય તો વાલીઓ પોતાના બાળકોને આવી સ્કૂલોમાં ભણાવવા માટે મોકલાતા હોય છે. વડોદરા જિલ્લામાં આવેલી વડાપ્રધાન યોજના અંતર્ગતની સાંકરદા પ્રાથમિક શાળા તેનુ ઉદાહરણ છે. આ એક એવી શાળા છે કે જેમાં 790 જેટલા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને સરકારી શાળા હોવા છતાં દર વર્ષે વિદ્યાર્થીઓના પ્રમાણમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.
વડોદરા તાલુકાની સાંકરદા પ્રાથમિક શાળામાં પ્રાયોગિક, સર્વગ્રાહી, સંકલિત, રમત સાથે જ્ઞાન, સંશોધન લક્ષી, વિદ્યાર્થી કેન્દ્રિત, ચર્ચા આધારિત અને ફ્લેક્સીબલ શિક્ષણ પધ્ધતિ પર ભાર મૂકાઈ રહ્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ રસપ્રદ બન્યુ છે. સ્કૂલના શિક્ષકોનુ કહેવું છે કે, અભ્યાસની સાથે-સાથે બાળકની નિપુણતા, વૈચારિક અને વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓમાં જ્ઞાનની સમજણ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ સાથે સ્માર્ટ ક્લાસ, ICT લેબ, લાયબ્રેરી, મેથ્સ-સાયન્સ લેબ, રમત ગમતનું મેદાન, સુરક્ષા-સલામતીની સુવિધાઓ, ઇકો ક્લબ પ્રવૃત્તિ, પરંપરાગત દિવસોની ઉજવણી અને એના સાથે ઉત્તમ પર્યાવરણની સુવિધાઓ સ્કૂલમાં છે.
વડોદરા જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી આ સરકારી શાળામાં બાલ મંદિરથી ધોરણ-5 માં કુલ 439 બાળકો અભ્યાસ કરી રહ્યા છે જે પૈકી 215 છોકરા અને 124 છોકરીઓ છે. જ્યારે ધોરણ 6 થી 8 માં કુલ 351 ભણી રહ્યા છે જેમાં 182 છોકરાઓ અને 169 છોકરીઓનો સમાવેશ થયો છે. આમ, સ્કૂલમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 790 જેટલી છે.
આ શાળામાં Learning By Doing અંતર્ગત ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોનું વર્ગખંડ સાથે સાથે વિજ્ઞાન-ગણિતની લેબમાં પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે. આ કોન્સેપ્ટ થી વિદ્યાર્થીઓ માટે ગણિત વિજ્ઞાન જેવા અઘરા વિષયો જ્ઞાન ગમ્મત અને ઉત્સાહના વિષયો બન્યા છે. બીજી તરફ પુસ્તક પ્રેમી વિદ્યાર્થીઓ માટે વિવિધ પુસ્તકો વાંચન માટે બેઠક વ્યવસ્થા સાથેની લાયબ્રેરી સાથે અઠવાડિયામાં એક કલાક લાઇબ્રેરીમાં વાંચનના ક્લાસની પણ સુવિધા છે.
શાળાના પ્રવેશ દ્વાર થી લઈને લોબી અને ક્લાસ રૂમ સુધી બાળકોએ જતન કરેલા છોડના રંગબેરંગી કુંડાઓ અને બાળકોએજ બનાવેલ ચકલી ઘર મુકવામાં આવ્યા છે. જેથી બાળકોમાં પર્યાવરણ પ્રેમ વિકસે. જે વિદ્યાર્થીનો જન્મદિન હોય તેના હસ્તે શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવે છે અને એજ છોડને સાચવવાની જવાબદારી વિદ્યાર્થીને સોંપવામાં આવે છે.
આ શાળાના દરેક ક્લાસ રૂમ એલસીડી પ્રોજેક્ટર, સ્પીકર, UPS વગેરે જેવી અદ્યતન સુવિધાથી સજ્જ સ્માર્ટ ક્લાસ રૂમ છે. આ સાથે શાળા બાળ સાંસદ, જ્ઞાનકુંજ, જ્ઞાન સંગમનુ આયોજન કરાય છે. વિદ્યાર્થીઓને દરવર્ષે પોસ્ટ ઓફિસ, ગ્રામ પંચાયત, બેંક, સરકારી દવાખાનું, દૂધ ડેરી અને પોલીસ સ્ટેશનોમાં મુલાકાત માટે લઈ જવામાં આવે છે.
સ્કૂલના 60 કરતા વધુ વિદ્યાર્થીઓ એવા છે કે જે પહેલા કોઈ ખાનગી શાળામાં અભ્યાસ કરતા હતા. વાલીઓએ બાળકોને આ સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવ્યો છે.
ગુજરાતમાં આવી કુલ 274 શાળાઓ છે જે પૈકી 236 પ્રાથમિક શાળાઓ અને 38 માધ્યમિક શાળાઓની સમાવેશ થાય છે. વડોદરાની વાત કરીએ તો, જિલ્લામાં માળખાગત સુવિધાઓથી સજ્જ 9 ઉદાહરણરૂપ આદર્શ શાળાઓ છે. આ શાળાઓને જલ સંરક્ષણ, રિસાયકલ, ઊર્જા કાર્યક્ષમ ઈન્ફ્રાસ્ટ્રકચર અને ઓર્ગેનિક જીવન શૈલીના સંકલન સાથે ગ્રીન સ્કૂલ તરીકે વિકસિત કરવામાં આવી રહી છે.