બોગસ જજે હુકમ કર્યો અને કોટાલીની શ્રી સરકાર જમીન ખાનગી થઇ ગઇ
વિશ્વામિત્રી નદી પર બ્રિજના એપ્રોચ માટે જમીન સંપાદન કરી હતી ઃ સર્કલ ઓફિસરે નોંધ પણ પાડી દીધી
વડોદરા, તા.22 સરકારી જમીનો પચાવી પાડવા માટે બોગસ આર્બીટ્રેટર મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને વડોદરા નજીક કોટાલી ગામે વિશ્વામિત્રી નદીના એપ્રોચ માટે સંપાદન કરેલી ૭૮૮૨ ચો.મી. જમીનનો ઓર્ડર કરી દીધો હતો અને તે આધારે વડોદરાના સર્કલ ઓફિસરે રેવન્યૂ રેકર્ડમાં નોધ પણ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ તા.૧૮ ઓક્ટોબર ૧૯૮૧ મુજબ કોટાલી ગામે બ્લોક નંબર ૭૪-અની ૧૧૧૩ ચો.મી. અને બ્લોક નંબર ૭૪-બની ૧૧૧૨૯ ચો.મી. મળી કુલ ૧૨૨૪૨ ચો.મી. જમીનમાં કબજેદાર તરીકે ખુશાલભાઇ રણછોડભાઇ પટેલનું નામ દાખલ થયું હતું. ત્યારબાદ તા.૧૪ ફેબુ્રઆરી ૧૯૯૧ના રોજ વિશ્વામિત્રી નદીના બ્રિજના એપ્રોચ માટે ૭૮૮૨ ચો.મી. જમીન સંપાદિત થઇ હતી. કુલ જમીનમાંથી સંપાદિત જમીન બાદ કરતાં ૪૩૬૦ ચો.મી. જમીન ખેડૂતના નામે બાકી રહી હતી. પરંતુ કોમ્પ્યૂટરાઇઝડ સાત-બારમાં પુરેપુરી ૧૨૨૪૨ ચો.મી. જમીન શ્રી સરકાર દાખલ થઇ હતી.
આ સરકારી જમીન મુદ્દે બોગસ આર્બીટ્રેટર મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનના હુકમની નકલ સહિત અન્ય કાગળો વડોદરા ગ્રામ્ય કચેરીની ઇ-ધરા કેન્દ્રમાં દાખલ થતાં સર્કલ ઓફિસર એસ.એસ. દેસાઇએ ૧૭૩૫ નોંધ નંબરથી સરકારી પડતર જમીન આર્બીટ્રેટરના હુકમ મુજબ પાડી દઇ તા.૬ સપ્ટેમ્બર ૨૦૧૯થી સરકારી જમીન ખાનગી માલિકોના નામે પ્રમાણિત કરી દીધી હતી.
જો કે સમગ્ર પ્રકરણ બાદમાં પ્રકાશમાં આવ્યું હતું અને સર્કલ ઓફિસર એસ.એસ. દેસાઇએ આખરે તા.૧ મે ૨૦૨૩ના રોજ સરકારી જમીન ખાનગી વ્યક્તિના નામે કરવા પાડેલી નોંધ રદ કરવા તે સમયના નાયબ કલેક્ટર મયંક પટેલ સમક્ષ અપીલ કરી હતી. બાદમાં નાયબ કલેક્ટર દ્વારા પોતાની કચેરીમાંથી બીજો હુકમ ના થાય ત્યાં સુધીમાં જમીનના મહેસૂલી રેકર્ડમાં તેમજ સ્થળસ્થિતિમાં ફેરફાર ન કરવા મનાઇહુકમ તાત્કાલિક આપવામાં આવ્યો હતો.
આ સાથે જ અમદાવાદ જિલ્લાના વેજલપુર તાલુકાના મકરબા ખાતેની સરકારી પડતર જમીન અંગે કહેવાતા આર્બીટ્રેટર મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનના કારનામાનો અમદાવાદ પશ્ચિમના ડેપ્યૂટી કલેક્ટર દ્વારા પર્દાફાશ થયો હતો અને તેની જાણ અન્ય જિલ્લાને પણ કરવામાં આવતી હતી. આમ બોગસ આર્બીટ્રેટરના હુકમના આધારે સરકારી જમીન પચાવી પાડવાનો ખેલ ઊંઘો પડી ગયો હતો.