ગોત્રીની જમીન બોગસ પાવરને આધારે કાકા-ભત્રીજાને વેચી દીધી,મનોજ પટેલ સામે ગુનો
વડોદરાઃ ગોત્રી વિસ્તારની જમીનનો બોગસ પાવર ઓફ એટર્નીને આધારે વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હોવાની ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશને નોંધાઇ છે.
ગોત્રીના હવેલીદ્વાર ખાતે રહેતા ઉલ્પેશ પટેલે પોલીસને કહ્યું છે કે,મારા સસરાને ગોત્રીમાં ૨૯૩૪ ચો.મીટર (અંદાજે ૨૯ હજાર ફૂટ જેની હાલમાં બજાર કિંમત ૮ કરોડ જેટલી આંકી શકાય)જમીન વડીલોપાર્જિત મળી હતી.અન્ય પરિવારજનોએ તેમને પાવર ઓફ એટર્ની આપ્યો હતો.
આ જ દિવસે એટલે કે તા.૨૬-૯-૧૯૯૪ના રોજ મારા સસરા અને અન્ય પરિવારજનોએ સમા ના મનોજ અરવિંદભાઇ પટેલને પાવર આપ્યો હોવાનો દસ્તાવેજ કરાયો હતો.જેને આધારે ઉપરોક્ત જમીન ગોત્રીના કડવા શેરીમાં રહેતા ઉપેન્દ્ર બેચરભાઇ પટેલ અને તેના ભત્રીજા યોગેશ અંબાલાલ પટેલને રૃ.૨લાખમાં વેચી હતી.પરંતુ આ દસ્તાવેજમાં મારા સસરાની સહી બોગસ છે અને જમીન વેચાણના અવેજની રકમ પણ કોઇ પરિવારજનોને મળી નથી.જેથી ગોત્રી પોલીસે ગુનો નોંધ્યો છે.