Get The App

ગોત્રી પોલીસે 10 લાખ માગ્યા, નહીં આપતા કંપનીના ડિરેક્ટરને કસ્ટડીમાં ઢોરમાર માર્યો

ડિરેક્ટરને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે પણ તે ચાલી શકે નહી તેવી સ્થિતિમાં હતો, કોર્ટે રિમાન્ડ ઘટાડીને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે હૂકમ કર્યો

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
ગોત્રી પોલીસે 10 લાખ માગ્યા, નહીં આપતા કંપનીના ડિરેક્ટરને કસ્ટડીમાં ઢોરમાર માર્યો 1 - image


વડોદરા : ગોત્રી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ રિમાન્ડ દરમિયાન આરોપી ઉપર અત્યાચાર નહી ગુજારવા માટે રૃ.૧૦ લાખની માગ કરી હતી જે નહી સંતોષાતા ટ્રાવેલ કંપનીના ડિરેક્ટર એવા આરોપીને ઢોરમાર મારીને અધમુવો કરી નાખ્યો છે. આ મામલે આરોપીની પત્નીએ કરેલી અરજીના આધારે કોર્ટે ગોત્રી પોલીસને આરોપીને તુરંત હાજર કરવા આદેશ કરતા પોલીસે આરોપીને કોર્ટમાં હાજર કરતા કોર્ટે રિમાન્ડ ટુંકવાની આરોપીને તુરંત ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવા હૂકમ કર્યો છે.

આરોપી રાહુલ પ્રમોદ ગુપ્તા (રહે. શ્રીનાથ દર્શન એપાર્ટમેન્ટ, ઇલોરાપાર્ક, સુભાનપુરા, વડોદરા- મુળ રહે.રાંચી, ઝારખંડ) અલકાપુરીમાં પ્રીવેરા હોલીડેઝ પ્રા.લી. ના નામથી કંપની ચલાવે છે તેણે વર્ષ ૨૦૨૧માં ટૂર પેકેજ જાહેર કરીને લોકો પાસેથી લાખો રૃપિયા ઉઘરાવ્યા હતા જે બાદ કરેલા વાયદા પ્રમાણે ટૂર પેકેજ નહી આપતા તેની સામે રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં ફરિયાદો થઇ છે. તાજેતરમાં રાજકોટ પોલીસે તેની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા હતા જે બાદ તા.૨૯ ફેબુ્રઆરીએ ગોત્રી પોલીસ ટ્રાન્સફર વોરન્ટથી તેની ધરપકડ કરીને વડોદરા લાવી છે. ગોત્રી પોલીસે વડોદરા કોર્ટમાંથી રાહુલ ગુપ્તાના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તેમ કહેતા આરોપીના વકીલ હેમંત ઠક્કર અને જિગ્નેશ મકવાણાએ ઉમેર્યુ હતું કે

ગોત્રી પોલીસે 10 લાખ માગ્યા, નહીં આપતા કંપનીના ડિરેક્ટરને કસ્ટડીમાં ઢોરમાર માર્યો 2 - image

રાહુલ ગુપ્તાની પત્ની ઉન્નતી ગુપ્તાએ આજે વડોદરા કોર્ટમાં તાકીદે અરજી આપી હતી કે ગોત્રી પોલીસના અધિકારીઓ દ્વારા ગુરૃવારે રૃ.૧૦ લાખની માગ કરવામાં આવી હતી. અમારી પાસે આટલી મોટી રકમ નહી હોવાથી અમે આપી શક્યા નહતા. જે બાદ આજે સવારથી મારા પતિ પર પોલીસે બેરહેમ અત્યાચાર ચાલુ કર્યો છે. સવારે ટોઇલેટ જવા નથી દેવાયા, ચા-પાણી કે ભોજન નથી અપાયુ અને ઢોરમાર મારવામાં આવ્યો છે. તેઓ ચાલી શકે તેવી સ્થિતિમાં પણ નથી. આ અરજીના આધારે કોર્ટે તુરંત હુકમ કરીને આ કેસના તપાસ અધિકારી ૅપીએસઆઇ વી.એમ.નમસાને આરોપી રાહુલ ગુપ્તા સાથે કોર્ટમાં હાજર થવા માટે ફરમાન કરતા વી.એમ. નમસા રાહુલ ગુપ્તાને લઇને કોર્ટ પહોંચ્યા હતા ત્યારે પણ રાહુલની હાલત અત્યંત ખરાબ હતી. આ જોઇને જ્જ જે.એ. પટેલે બે દિવસના રિમાન્ડ ટુંકાવીને એક દિવસના કરી નાખ્યા હતા અને રાહુલને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવા માટે હૂકમ કર્યો છે. 

ગોત્રી પોલીસે 10 લાખ માગ્યા, નહીં આપતા કંપનીના ડિરેક્ટરને કસ્ટડીમાં ઢોરમાર માર્યો 3 - image

સાહેબ, મારા પતિને બચાવો નહી તો આ લોકો તેને મારી નાખશે

આરોપી રાહુલ ગુપ્તાને અને તેની પત્ની ઉન્નતિને આશંકા તો હતી જ કે રૃ.૧૦ લાખ નથી આપ્યા એટલે પોલીસ અત્યાચાર કરશે. ઉન્નતિએ કોર્ટમાં આપેલી અરજીમા આજીજી કરી છે કે સાહેબ મારા પતિને બચાવો નહી તો આ લોકો તેને મારી નાખશે. હું સવારે ટિફિન લઇને ગોત્રી પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે પોલીસવાળાઓ મારા પતિને કસ્ટડીમાંથી બહાર લાવીને અન્ય સ્થળે લઇ જતા હતા ત્યારે મારા પતિની હાલત ખુબ ખરાબ હતી. પગ ભાંગી ગયો હોય  તેમ તેઓ ચાલી શક્તા નહતા. હાલત એટલી ખરાબ હતી કે તેઓ બોલી પણ શક્તા નહતા.

મે જ્યારે પોલીસને પુછ્યુ કે તમે આ શું કર્યુ તો મને પોલીસે ધમકી આપી કે તમને અંદર આવવા દીધા છે એ જ મહેરબાની છે કશુ બોલશો તો પોલીસ કામગીરીમાં અડચણનો કેસ દાખલ કરીને તમને પણ અંદર કરી દઇશું.

રાહુલ ગુપ્તાની હાલત જોઇને જ્જને પણ દયા આવી : પહેલા આરોપીની સારવાર કરાવો પછી પોલીસ સામે કાર્યવાહી કરો

આરોપીની વાત સાંભળીને જજે પી.એસ.આઇ.નમસા સામે તપાસ કરવા માટે ડીસીપીને હૂકમ કર્યો

આરોપીને પોલીસ કસ્ટડીમાં માર મારવાના કેસમાં વડોદરા કોર્ટ કડક વલણ અપનાવ્યુ છે. કોર્ટના હૂકમ બાદ આજે બપોરે આરોપી રાહુલ ગુપ્તાને જ્યારે કોર્ટમાં રજૂ કરાયો ત્યારે આરોપીની હાલત જોઇને જ્જને પણ દયા આવી હતી અને કાયદો હાથમાં લેનાર પોલીસ અધિકારીઓ સામે નારાજ થયા હોય તેમ હૂકમ કર્યો હતો કે બધા જ કોર્ટની બહાર નીકળી જાવ. કોઇ પણ દબાણ વગર આરોપી પોતાની વાત રજૂ કરી શકે તે માટે કોર્ટ ફક્ત આરોપીની જ વાત સાંભળશે. 

જે બાદ આરોપીની જુબાની સાંભળીને જ્જ જે.એ. પટેલે હુકમ કર્યો હતો કે આરોપીને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરો. બે દિવસના રિમાન્ડ ટૂંકાવીને એક દિવસના કરી દેવામાં આવે છે. સારવાર બાદ આરોપી જો પોલીસ ફરિયાદ દાખલ કરવા ઇચ્છે તો તે કરી શકે છે. રૃ.૧૦ લાખની માગણી સંદર્ભે ડીસીપીએ તુરંત તપાસ શરૃ કરી રિપોર્ટ કોર્ટને સોંપવો. પી.આઇ.નમસાએ આરોપી સાથે હોસ્પિટલમાં જવુ નહી.


Google NewsGoogle News