દુષ્કર્મના મામલા બાદ ગોત્રી મેડિકલ કોલેજમાં અધ્યાપકોનો ટાસ્ક ફોર્સ બનાવાશે
વડોદરાઃ ગોત્રી મેડિકલ કોલેજની ટેરસ પર મેડિકલ કોલેજની જુનિયર વિદ્યાર્થિની સાથે સિનિયર ઈન્ટર્ન ડોકટર નિર્ભય જોષીએ દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે.એ બાદ ચોંકી ઉઠેલા કોલેજ સત્તાધીશોએ હવે એક પછી એક પગલા ભરવાનુ શરુ કર્યુ છે.
મળતી વિગતો પ્રમાણે સિનિયર સ્ટુડન્ટસ દ્વારા જુનિયર સ્ટુડન્ટસની હેરાનગતિ રોકવા માટે તેમજ આ પ્રકારના મામલામાં જુનિયર સ્ટુડન્ટસ ફરિયાદ કરી શકે તે માટે પાંચ થી ૬ અધ્યાપકોનો એક ટાસ્ક ફોર્સ બનાવવાનો નિર્ણય લેવાયો છે.આ ટાસ્ક ફોર્સમાં સામેલ અધ્યાપકોના મોબાઈલ નંબરો વિદ્યાર્થીઓને આપવામાં આવશે.વિદ્યાર્થીઓ તેમનો ગમે ત્યારે સંપર્ક કરીને તેમની સાથે વાત કરી શકશે.આ ઉપરાંત દર દસથી પંદર વિદ્યાર્થીઓ વચ્ચે એક અધ્યાપકની મેન્ટોર તરીકે નિમણૂંક કરવામાં આવશે.જેથી વિદ્યાર્થીઓ માનસિક અસલામતી ના અનુભવે.વિદ્યાર્થીઓ મેન્ટરો સાથે વાતચીત કરી શકશે અને મેન્ટોર તેમને માર્ગદર્શન પણ આપશે.
દરમિયાન કોલેજ સત્તાધીશોએ બનાવેલી કમિટિ સમક્ષ દુષકર્મનો ભોગ બનેલી વિદ્યાર્થિનીના માતા પિતા આવ્યા હતા અને કમિટિના સભ્યોએ તેમને વિદ્યાર્થિનીની તમામ કાળજી લેવામાં આવશે તેવુ આશ્વાસન આપ્યુ હતુ.કમિટિએ વિદ્યાર્થિનીનો અભ્યાસ ના બગડે તે માટે તેને કોલેજ મોકલવા માટે માતા પિતાને વિનંતી કરી હતી.ઉલ્લેખનીય છે કે, નિર્ભય જોષીએ આ વિદ્યાર્થિનીની સાથે ભૂતકાળમાં થયેલી મિત્રતા દરમિયાન થયેલી વાતચીતની ક્લિપ વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યુ હતુ.એ પછી વિદ્યાર્થિનીએ હિંમત કરીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.