ગોત્રી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટમાં ચોરી કરનાર ઝડપાયા
કોપરની પાઇપો અને મોપેડ કબજે કરતી પોલીસ
વડોદરા,ગોત્રી હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટમાંથી કોપરની પાઇપો ચોરી જનાર બે આરોપીઓને ગોરવા પોલીસે ઝડપી પાડયા છે. ચોરીનો મુદ્દામાલ કબજે કરી પોલીસે તેઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.
ગોત્રી હોસ્પિટલમાં ઓક્સિનજ પ્લાન્ટમાં કામ કરતા નવિન નાયકે ગત તા. ૧૫ મી એ સિક્યુરિટી જવાનને જણાવ્યું કે, ઓક્સિજન પ્લાન્ટમાંથી ૨૫ કિલો વજનની કોપરની પાઇપો ગાયબ છે. સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં જઇ સીસીટીવીના ફૂટેજની ચકાસણી કરતા બે વ્યક્તિઓ ગત તા.૧૫મી ની રાતે બે અજાણ્યા વ્યક્તિઓ પ્લાન્ટમાંથી ચોરી કરી ગયા હતા. જે અંગે ગોરવા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પી.આઇ. કે.એન.લાઠિયાએ આ ગુનામાં સામેલ ચિરાગ જગદીશભાઇ પરમાર (રહે. ભૂમિ રેસિડેન્સી, મારેઠા ફાટક પાસે, માણેજા) તથા નિરજ રાજીવકુમાર બારોટ (રહે. લક્ષ્મીદાસ સોસાયટી, ગોત્રી રોડ) ને ઝડપી પાડયા હતા. પોલીસે તેઓની પાસેથી ર૦ હજારની કોપરની પાઇપો તથા મોપેડ મળીને ૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.