કેનેરા બેન્કમાં ગોલ્ડ લોન કૌભાંડ : વડોદરામાં જ્વેલરી શોપ ચલાવતા દંપતીએ સવા બે કરોડ ગુમાવ્યા
image : Freepik
Gold Loan Fraud in Vadodara : વડોદરામાં કેનેરા બેન્કના મેનેજર તરીકે ઓળખાણ આપી ભેજાબાજે જ્વેલરી શોપના દંપતી પાસેથી 2.16 કરોડનું ગોલ્ડ લઇ અન્યના નામે ગોલ્ડ લોન લઇ લીધી હતી. તેમજ હાઉસિંગ લોનમાં પણ છેતરપિંડી કરી વધારાની 24 લાખની લોન દંપતીને અંધારામાં રાખીને લઇ લીધી હતી. 2.50 કરોડની છેતરપિંડી કરનાર ભેજાબાજ સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
માંજલપુર અલવા નાકા ગૌતમ નગરમાં રહેતા દિપાલીબેન પરેશભાઇ મકવાણાનીમાં મેલડી નામની જવેલરી શોપ છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, દોઢ વર્ષ પહેલા આરોપી વિશાલ જ્યંતિભાઇ ગજ્જર (રહે.વેદાંત વિશ્રામ ટાવર, જાંબુવા) મારી દુકાને આવ્યો હતો. તેણે પોતાની ઓળખાણ કેનેરા બેન્કના કર્મચારી તરીકે આપી ગોલ્ડ લોન અંગે ઓફર કરી હતી. પરંતુ, મેં ના પાડી હતી. તે અવાર-નવાર ગોલ્ડ લોનની વાત કરતો હતો. તેણે મને ઓફર આપી હતી કે, હું તમારી લોનનું વ્યાજ નહિં લઉં અને ફ્રીમાં લોન કરાવી આપીશ. મેં કેનેરા બેન્કની માંજલપુર શાખામાં એકાઉન્ટ ખોલાવી ગોલ્ડની સામે 13.50 લાખની લોન લીધી હતી. તે દાગીના મેં રૂપિયા ભરી છોડાવી લીધા હતા. ત્યારબાદ વિશાલ મારી દુકાને આવી કુલ 3.400 કિલો વજનના દાગીના કિંમત રૂપિયા 2.16 કરોડના લઇ ગયો હતો. જેની કોઇ પહોંચ કે લખાણ મને આપ્યા નહતા. તેમજ તેની સામે અમને કોઇ લોનના રૃપિયા પણ આપ્યા નથી.
વર્ષ 2021 માં અમે ગૌતમનગર વાળું મકાન લીધું હતું. જેની હાઉસિંગ લોન દેના બેન્કની રાવપુરા શાખામાં ચાલતી હતી. તે સમયે અમે 20 લાખની લોન લીધી હતી. વિશાલ ગજ્જરે આ લોન વાઘોડિયા રોડની પંજાબ નેશનલ બેન્કમાં ટ્રાન્સફર કરી આપવાનું જણાવી કહ્યું હતું કે, બેન્ક મેનેજરરાકેશ રાવલ મારા મિત્ર થાય છે. તેઓને ટાર્ગેટ પૂરો કરવાનો હોવાથી તમને લોન તેમની બેન્કમાં ટ્રાન્સફર કરી દો. તમને બંનેને ફાયદો થશે. ત્યારબાદ અમે બાકીની લોન પંજાબ નેશનલ બેન્કમાં ટ્રાન્સફર કરાવતા 10.81 લાખનો ચેક અમને બેન્કે આપ્યો હતો. લોન કરતા પહેલા મેં તથા મારા પતિ પરેશ મકવાણાએ બેન્કના કાગળો જેમાં કોરા ડોક્યુમેન્ટ્સ, કોરા વાઉચર પર બેંક મેનેજર તથા વિશાલ ગજ્જરે અમારી પાસે સહીઓ કરાવી લીધી હતી. આમ, ભેજાબાજ વિશાલે અમારી પાસેથી ગોલ્ડ લોન અને હાઉસિંગ લોનના નામે અઢી કરોડ પડાવી લીધા હતા.