નોકરીમાંથી છૂટો કર્યા બાદ નકલી ચાવી બનાવી ગોડાઉનમાંથી ચોરી કરી
ગેસની સગડીઓ, પાઇપો અને બર્નર સહિતના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ
વડોદરા, તા.2 જયરત્ન બિલ્ડિંગ પાસેના એપાર્ટમેન્ટમાં એક ગોડાઉનમાંથી ગેસ સગડી સહિતના સામાનની ચોરી કરનાર વેપારીના પૂર્વ કર્મચારીને પોલીસે ઝડપી પાડી ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ બકરાવાડી વિજય સોસાયટીમાં રહેતા ઇન્દ્રવદન અંબાલાલ પટેલ ભવાની ટ્રેડર્સ નામે ગેસ સગડીના સ્પેર પાર્ટસની દુકાન ધરાવે છે. તેનું ગોડાઉન જયરત્ન બિલ્ડિંગ પાસે રચના એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલું છે. આ ગોડાઉનના શટરનું લોક નકલી ચાવીથી ખોલી કોઇ અજાણ્યો શખ્સ અંદરથી ૧૨ નંગ ગેસ સગડી, સગડીમાં લગાવવાની પાઇપના રોલ અને સગડીના બર્નરો મળી કુલ રૃા.૫૫૨૦૦ની મત્તા ચોરી કરી ગયો હતો.
આ ચોરી દુકાનમાં અગાઉ કામ કરતાં ધર્મેશ પવાર નામની વ્યક્તિએ કરી હોવાની આશંકા સાથે ઇન્દ્રવદનભાઇએ નવાપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી ધર્મેશને ત્યાં તપાસ કરતાં ચોરીનો તમામ મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે ચોરીના ગુનામાં ધર્મેશ મારુતીરાવ પવાર (રહે.શાસ્ત્રીબાગ, મહાદેવ તળાવ પાસે, વુડાના મકાનમાં)ની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે ધર્મેશને ત્રણ મહિના પહેલાં દુકાનમાંથી છૂટો કર્યો હતો. બાદમાં તેણે ગોડાઉનની નકલી ચાવી બનાવી ચોરી કરી હતી.