વડોદરામાં દારૃની મોટેપાયે હેરાફેરીઃનંદેસરીમાં 11.52 લાખનો દારૃ ભરેલું ગોડાઉન પકડાયું
બાર દિવસમાં દારૃનો ત્રીજો મોટો જથ્થો પકડાયો
વડોદરાઃ વડોદરામાં દારૃની મોટેપાયે હેરાફેરી કરવામાં આવી રહી છે.સ્ટેટ મોનિટરિંગ સેલે દસ દિવસમાં આજવારોડ સરદાર એસ્ટેટ અને રણોલી ખાતે દસ દિવસમાં બે દરોડા પાડી રૃ.પોણા બે કરોડની કિંમતનો દારૃ સહિતનો મુદ્દામાલ કબજે કર્યા બાદ ગઇરાતે નંદેસરી પોલીસે દારૃનું એક ગોડાઉન ઝડપી પાડી છ જણા સામે ગુનો નોંધ્યો છે.
નંદેસરી પોલીસની ટીમ ગઇરાતે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નંદેસરી ચોકડી પાસે નવદુર્ગા એસ્ટેટમાં ગોડાઉન ભાડે રાખીને દારૃનો મોટો જથ્થો સ્ટોરેજ કરવામાં આવ્યો હોવાની માહિતી મળતાં નંદેસરીના પીઆઇ એમ આર સંગાડાએ ટીમને મોકલી હતી.
પોલીસે ગોડાઉનના માલિક વિનોદચંદ્ર મણીલાલ પટલ(સંતોક નગર,જૂના છાણી રોડ)ને સ્થળ પર બોલાવી તપાસ કરતાં અંદરથી દારૃની બોટલોનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો.જેની ગણતરી કરતાં કુલ રૃ.૧૧.૫૨ લાખની કિંમતની ૧૦૨૭૨ નંગ બોટલો હતી.
પોલીસે જેની સામે ગુનો નોંધ્યો છે તેમાં (૧) ગોડાઉનના માલિક વિનોદચંદ્ર પટેલ(૨) ગોડાઉન ભાડે રાખનાર મહેશ ગિરિશભાઇ (મહાદેવ ચોક,કિશનવાડી)(૩) દારૃ મંગાવનાર મેહુલ નટવરલાલ કહાર(ઉકાજીનું વાડીયું,વાઘોડિયારોડ)(૪) દારૃના સપ્લાયર અભિષેક ઉર્ફે અબુ ઉર્ફે અપ્પુ મુકેશભાઇ (પરિવાર ચારરસ્તા,વાઘોડિયારોડ)(૫) સપ્લાયર ગુંજન(ઉકાજીનું વાડીયું,વાઘોડિયા રોડ)અને (૬) શંકર બાબુભાઇ રાજગુરૃ (ઓરિએન્ટ ફ્લેટસ,કોયલીરોડ)નો સમાવેશ થાય છે.