Get The App

વડોદરામાં ગુરૃવારે સોના ચાંદીની પાલખીમાં શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળશે

પરંપરા અનુસાર રાજવી ગાયકવાડ પરિવાર આરતી કરીને પ્રસ્થાન કરાવશે

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
વડોદરામાં ગુરૃવારે સોના ચાંદીની પાલખીમાં શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળશે 1 - image


વડોદરા : શહેરના માંડવી વિસ્તારમાં આવેલ પ્રાચિન શ્રી વિઠ્ઠલ મંદિરથી વર્ષોની પ્રણાલી પ્રમાણે આ વર્ષે પણ પ્રબોધિની એકાદશીએ ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી સોના-ચાંદીની પાલખીમાં બિરાજમાન થઇને નગરયાત્રાએ નીકળશે. વિઠ્ઠલનાથજીના વરઘોડા તરીકે ઓળખાતી આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાતા હોય છે.

બપોરે એક વાગ્યે ગહીનબાઇ બાગમાં શ્રીહરીહરની ભેટ થશે, સાંજે વરઘોડો નીજ મંદિરમાં પરત ફરશે, રાત્રે ૧૦ વાગ્યા બાદ તુલસી વિવાહ યોજાશે


તા.૨૩ નવેમ્બર ગુરૃવારે દેવઉઠી અગિયારસ એટલે કે દેવ દિવાળીના દિવસે સવારે ૯ કલાકે નીજ મંદિરથી પ્રભુ શ્રી વિઠ્ઠલનાથજીની પાલખીયાત્રાનો પ્રારંભ થશે તે પહેલા પરંપરા અનુસાર વડોદરાના રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા પુજા અર્ચના અને આરતી કરીને વરઘોડાને પ્રસ્થાન કરાવવામાં આવશે.

વિશાળ ભક્ત સમુદાય, ભજન મંડળીઓ, બેન્ડ વાજા સાથે વરઘોડો માંડવીથી ન્યાયમંદિર, રાવપુરા, કોઠી, એસએસજી હોસ્પિલની સામેથી કારેલીબાગના રસ્તે કામનાથ સ્મશાનની બાજુમાં આવેલ શ્રીમંત ગહીનબાઇ બાગ-લીલુવાડીમાં મહાદેવ મંદિર ખાતે પહોંચશે અહી શ્રી હરી એટલે કે વિઠ્ઠલનાથજી અને હર એટલે કે મહાદેવની ભેટ થશે. પુજા આરતી બાદ બપોરે ૨ વાગ્યે વરઘોડો પરત બહુચરાજી રોડથી નાગરવાડા, ઘી કાંટા ટાવર, જ્યુબિલી બાગ, લહેરીપુરા, ન્યાય મંદિર અને માંડવી થઇને સાંજે પાંચ વાગ્યાના અરસામાં નીજ મંદિર પરત ફરશે. અહી મંદિરમાં રાત્રે ૧૦ થી ૧૨ દરમિયાન 'તુલસી વિવાહ' પણ સંપન્ન થશે. વરઘોડો અને તુલસી વિવાહ દરમિયાન મંદિર ખુલ્લુ રહેશે. 


Google NewsGoogle News