આર્ટસની કેન્ટીનમાં વિદ્યાર્થિનીઓએ વોશરુમ ક્યાં છે..તેવા સ્ટીકરો માર્યા
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં એક વર્ષ પછી પણ વિદ્યાર્થિનીઓ માટેના વોશરુમની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.આર્ટસ ફેકલ્ટીના સત્તાધીશો અને યુનિવર્સિટીના કન્સ્ટ્રક્શન વિભાગ વચ્ચે આ મુદ્દો અટવાઈ રહ્યો છે.
મળતી વિગતો પ્રમાણે ફેકલ્ટીના ઐતહાસિક બિલ્ડિંગનુ રિનોવેશન કરવામાં આવ્યુ છે પણ ઢીલી ઢાલી કામગીરી કરવા માટે યુનિવર્સિટીમાં બદનામ થઈ રહેલા કન્સ્ટ્રક્શન વિભાગને એવુ નહોતુ સૂઝ્યુ કે અહીંયા વિદ્યાર્થિનીઓ માટે વોશરુમ પણ હોવો જોઈએ.
રિનોવેશન બાદ બિલ્ડિંગને કાર્યરત તો કરી દેવાયુ છે પણ વોશરુમ માટે વિદ્યાર્થિનીઓ ફાંફા મારી રહી છે અને તેના કારણે આજે એબીવીપી સાથે સંકળાયેલી વિદ્યાર્થિનીઓએ ફેકલ્ટીની કેન્ટીન ખાતે વોશરુમ ક્યાં છે...લખેલા સ્ટિકરો મારીને વિરોધ વ્યક્ત કર્યો હતો.
એબીવીપીનુ કહેવુ છે કે, ફેકલ્ટી સત્તાધીશો અમારુ સાંભળતા નથી તો વિદ્યાર્થિનીઓ ક્યાં જાય? અલગ અલગ વિભાગમાં સ્ટાફ માટેના લેડીઝ વોશરુમનો ઉપયોગ કરવા માટે વિદ્યાર્થિનીઓને જવુ પડે છે અને તેમાં પણ જો વિદ્યાર્થિની બીજા ડિપાર્ટમેન્ટની હોય તો તેને અન્ય વિભાગના વોશરુમનો ઉપયોગ કરવાની મંજૂરી ના મળે તેવુ પણ બને છે.છેવટે વિદ્યાર્થિનીઓને હંસા મહેતા લાઈબ્રેરીમાં જવુ પડે છે.
વોશરુમ વગર ગર્લ્સની ભારે કફોડી સ્થિતિ થાય તે સ્વાભાવિક છે પણ યુનિવર્સિટી સત્તાધીશોની જાડી ચામડીને આવા સંવેદનશીલ મુદ્દાઓ સ્પર્શે તેવી શક્યતા ઓછી છે.