બે સંતાનના પિતા સાથે લગ્નની જીદે યુવતીની ઘરમાં તોડફોડ
યુવતીને છેલ્લે પોતાની ભૂલ સમજાઇ અને માતા-પિતાનો આદર કરવા તેમજ અન્ય ગમતા પાત્ર સાથે લગ્ન કરવા તૈયાર થઇ
વડોદરા, તા.11 એક યુવતીને બે સંતાનોના પિતા સાથે પ્રેમ થઇ જતાં તેની સાથે લગ્ન કરવાની જીદ સાથે યુવતીએ ઘરમાં માતા અને પિતા પર પ્રેશર લાવવા માટે તોડફોડ કરી હતી જો કે મહિલા પોલીસે યુવતીને સમજાવીને તેના સાચા રસ્તે વાળી હતી.
આ અંગેની વિગત એવી છે કે એક બેન તેમના મમ્મી પપ્પાને હેરાન કરે છે તેવી ફરિયાદ મહિલા હેલ્પલાઇનને મળતાં સ્ટાફના માણસો નિર્ધારિત સ્થળે પહોંચ્યા હતા. યુવતીએ એવી વ્યથા રજૂ કરી હતી કે મારે એક ભાઈ સાથે પ્રેમ થઈ ગયેલ હતો અને તે ભાઈને બે બાળકો છે પરંતુ મારે તેની સાથે લગ્ન કરવા છે પણ મારા માતા અને પિતા મને લગ્ન કરવા માટે ના પાડે છે.
આ વખતે મહિલા હેલ્પલાઇનની મદદ લેનાર પિતાએ જણાવ્યું હતું કે પુત્રીની ઇચ્છા પૂરી નહી કરતાં તે ઘરમાં તોડફોડ કરે છે અને ઘરમાં કામ કરતી નથી. હેલ્પલાઇનના સ્ટાફ દ્વારા યુવતીનું કાઉન્સેલિંગ કરતા તે બે સંતાનોના પિતા સાથે લગ્નની જીદ પડતી મૂકી અન્ય ગમતા પાત્ર સાથે લગ્ન કરવા તૈયાર થઇ ગઇ હતી. એટલું જ નહી પરંતુ બે સંતાનોના પિતા એવા પ્રેમીને ભૂલી જઈશ અને મારી જિંદગીમાં હું આગળ વધીશ તેમજ મારા ઘરમાં તોડફોડ કરીશ નહીં અને મમ્મી પપ્પાની વાત માનીશ. હવે પછી આવી ભૂલ નહીં કરું તેવી કબૂલાત કરી પોતાની ભૂલ પણ સ્વીકારી હતી.