ગર્લ્સ સમરસ હોસ્ટેલમાં એક-એક કલાક જમવાની લાઈનમાં ઉભા રહેવુ પડે છે
વડોદરાઃ રાજ્ય સરકારની વડોદરાની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓ માટે જમવાની સમસ્યા યથાવત છે.વિદ્યાર્થિનીઓએ પરીક્ષા ચાલી રહી છે ત્યારે હોસ્ટેલની મેસમાં જમવા માટે એક એક કલાક સુધી લાઈનમાં ઉભા રહેવુ પડતુ હોવાના આક્ષેપ સાથે આ મુદ્દે સત્તાધીશોને રજૂઆત કરી હતી.
પોલીટેકનિક ખાતે આવેલી સમરસ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓનુ કહેવુ હતુ કે, ભોજનની ગુણવત્તાની સમસ્યા તો પહેલેથી જ છે પણ છેલ્લા કેટલાક દિવસોથી ૧૦૦૦ વિદ્યાર્થિનીઓ વચ્ચે જમવાનુ લેવા માટે બેની જગ્યાએ એક જ કાઉન્ટર મુકવામાં આવી રહ્યુ છે.એક જ કાઉન્ટરના કારણે લાંબી લાઈનમાં વિદ્યાર્થિનીઓને પરીક્ષાના સમયમાં એક-એક કલાક ઉભા રહેવાનો વારો આવી રહ્યો છે.આ અંગે સંખ્યાબંધ વખત રજૂઆતો કરી ત્યારે આજે બીજુ કાઉન્ટર મુકવામાં આવ્યુ હતુ.પરંતુ આજે ભોજનમાં જે શાક આપવામાં આવ્યુ હતુ તે બગડેલુ લાગતુ હતુ.આ અંગે ફરિયાદ કરી ત્યારે બીજુ શાક બનાવીને પીરસવામાં કલાક લાગી ગયો હતો.
વિદ્યાર્થિનીઓનુ કહેવુ છે કે,ભોજનની ગુણવત્તાની સમસ્યા પહેલેથી જ છે.સવારે અપાતો નાસ્તો પણ ઘણી વખત મોઢામાં મુકી ના શકાય તેવો હોય છે.એક વખત તો અમે હોસ્ટેલના વોર્ડનને પણ તેનો ટેસ્ટ કરાવ્યો હતો.બોયઝ સમરસ હોસ્ટેલમાં સારુ ભોજન આપવામાં આવે છે તો ગર્લ્સ હોસ્ટેલમાં કેમ ભેદભાવ કરવામાં આવે છે? આ અંગે અમે કરેલી રજૂઆતની કોઈ અસર થતી નથી.વિદ્યાર્થિનીઓ કીચન સ્ટાફનુ ધ્યાન દોરે છે ત્યારે તેઓ માત્ર મજાક મસ્તી જ કરતા હોય છે.
સાથે સાથે સવારે પાણીની પણ સમસ્યા છે.એક વખત પાણીની ટાંકી ખાલી થઈ જાય તો પાણી માટે લાંબા સમય સુધી રાહ જોવાનો વારો આવે છે.